કતારઃ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો ટેરિફ કિંગ દેશ છે. એપલને ભારતમાં મુશ્કેલી આવશે. કુક મારા સારા મિત્ર છે. તેઓ અમેરિકામાં 500 બિલિયન ડોલરનું રોકાણ કરવા માંગે છે, જે અમેરિકા માટે સારી તક છે. આ રોકાણને ભારતમાં ન લવાય. ભારત પોતાનો ખ્યાલ રાખી શકે છે. આઇફોને વર્ષો સુધી ચીનમાં ઉત્પાદન કર્યું, પરંતુ હવે એપલ ભારત જવા ઇચ્છે છે તો તેઓએ બચવું જોઇએ.
ટ્રમ્પ દ્વારા દોહામાં આ નિવેદન બાદ ભારતમાં હલચલ મચી ગઇ હતી. બીજી તરફ, ભારત સરકારના સૂત્રોએ એપલ કંપનીના હવાલાથી કહ્યું કે તેમનો ભારતમાં આઇફોન બનાવવાનો અને પ્લાન્ટ લગાવવાની યોજના યથાવત્ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. કંપની ભારતમાં જ રોકાણ કરવા પ્રતિબદ્ધ છે.
આઇફોનનું 15 ટકા ઉત્પાદન ભારતમાં
આઇફોનના કુલ વૈશ્વિક ઉત્પાદનમાંથી 15 ટકાનું ભારતમાં થાય છે. 2024માં અમેરિકામાં 7.59 કરોડ આઈફોનનું વેચાણ થયું. જ્યારે માર્ચ 2025માં ભારતથી 31 લાખની નિકાસ કરાઈ. માંગને જોતા ઉત્પાદન વધારવું પડશે અથવા સ્થાનિક સપ્લાયની નિકાસ કરવી પડશે. ફેબ્રુઆરી સુધી ભારતની આઇફોનની 81.9 ટકા નિકાસ અમેરિકાને હતી. જે માર્ચમાં 97.6 ટકા હતી.