ટ્રમ્પે ગ્રીનકાર્ડ અરજદારોની વર્ક પરમિટનો સમય 5 વર્ષથી ઘટાડીને દોઢ વર્ષ કર્યો

Tuesday 09th December 2025 11:46 EST
 
 

વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસ નજીક બે નેશનલ ગાર્ડ પર ફાયરિંગની ઘટનાના એક સપ્તાહ પછી અમેરિકાએ ઘણા ગ્રીનકાર્ડ અરજદારો અને અન્ય પ્રોટેક્ટેડ ઇમિગ્રન્ટ્સને અપાયેલી વર્ક પરમિટની માન્યતા પાંચ વર્ષથી ઘટાડી માત્ર 18 મહિના કરી નાંખી છે. ઇમિગ્રન્ટ્સ સામેના આ નવા નિયમથી ભારતના હજારો પ્રોફેશનલ્સને મોટી અસર થવાની ધારણા છે. સાથે સાતે જ શરણાર્થીઓ, આશ્રય માગનારાઓ અને સ્ટેટસમાં ફેરફારની રાહ જોઈ રહેલા અરજદારોને પણ અસર થશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ તેના પોલિસી મેન્યુઅલને અપડેટ કરીને આ નવા નિયમનો સમાવેશ કર્યો છે.
ગયા સપ્તાહે પ્રેસિડન્ટ ટ્રમ્પે 19 દેશોને ચિંતાજનક દેશો અથવા જોખમી દેશો તરીકે વર્ગીકૃત કરેલા છે. ઈમિગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બર, 2025ના રોજ કે તે પછી દાખલ કરાયેલ અથવા પેન્ડિંગ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન (વર્ક પરમિટ)ની અરજીને નિયમ લાગુ પડે છે.
સિક્યોરિટી ચેકિંગમાં વધારો કરવા માટે આ નિર્ણય કરાયો છે. એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે મહત્તમ વેલિડિટી પીરિયડ ઘટાડવાથી ખાતરી થશે કે યુએસમાં કામ કરવા માંગતા લોકો જાહેર સલામતીને જોખમમાં ન મૂકે અથવા હાનિકારક અમેરિકન વિરોધી વિચારધારાઓને પ્રોત્સાહન ન આપે.5 ડિસેમ્બર (યુએસ સમય) થી અમલમાં આવેલા ફેરફારોથી ગ્રીનકાર્ડની અરજી કરનારા તેમજ શરણાર્થીઓ, આશ્રય માગનારા સહિતના પ્રોટેક્ટેડ લોકોએ વધુ વખત વર્ક પરમિટ રિન્યૂ કરાવવી પડશે.
ગેરકાયદે પ્રવેશતાં પકડાયાં તો આકરો દંડ
ધરપકડ કરાયેલા 14 કે તેથી વધુ ઉમરના કોઈપણ વ્યક્તિ પાસેથી ટ્રમ્પ તંત્ર 5000 ડોલરની ફી વસૂલવાનું શરૂ કરશે. યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ બેંક્સે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વ્યક્તિ દેશમાં કેટલા સમયથી રહી છે અથવા તેમનો ઇમિગ્રેશન કેસ હજુ પેન્ડિંગ છે કે નહીં તે ધ્યાનમાં લીધા વગર આ દંડ વસૂલ કરાશે. આ દંડ ટ્રમ્પના વન બિલ બ્યૂટીફૂલ બિલ એક્ટ હેઠળ લદાયો છે.
ટ્રાવેલ પાબંદી હેઠળના દેશોની સંખ્યા વધશે
ટ્રમ્પ તંત્રે હાલમાં 19 દેશોના નાગરિકો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો છે. હવે આવા દેશોની સંખ્યા વધારીને 30થી વધુ કરવાની યોજના બનાવી છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ કયા દેશો પર ટ્રાવેલ પાબંધી મૂકવી તેની હાલમાં ચકાસણી કરી રહ્યાં છે, પરંતુ દેશોની સંખ્યા 30થી વધુ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter