વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પે ગ્લોબલ ફાર્મા માર્કેટમાં તોફાન મચાવે તેવો બોલ્ડ નિર્ણય લઈને અનેક દવાનાં ભાવમાં 300 ટકાથી લઈને 700 ટકા સુધી ઘટાડો કર્યો છે. આનાથી ભારતની દવા બનાવતી ફાર્મા કંપનીઓ પર માઠી અસર થવાની પૂરી સંભાવના છે. ટ્રમ્પે દવાનાં ભાવમાં 700 ટકા સુધીનો ઐતિહાસિક ઘટાડો કરતાં લોકોને ખુબ જ સસ્તા દરે દવાઓ મળશે. જોકે ટ્રમ્પનાં આ નિર્ણયથી ભારતનાં દવા નિકાસકારોની ઉંઘ ઉડી ગઈ છે.
ભારતની ફાર્મા કંપનીઓ પર ખતરો
ભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે પણ ટ્રમ્પનાં દવાઓનાં ભાવ 700 ટકા સુધી ઘટાડવાનાં નિર્ણય પછી ભારતની ફાર્મા કંપનીઓ સામે ખતરો સર્જાયો છે. ભારતની દવા કંપનીઓ અમેરિકામાં સસ્તી જેનેરિક દવાઓની નિકાસ કરે છે. અગાઉ ભારતમાં દવાઓની કિંમતો સૌથી ઓછી છે. હવે દવા સસ્તી થતા ભારતની સપ્લાય ચેન પર માઠી અસર થશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ અન્ય દેશોની દવાની કિંમત ઘટાડવા ટેરિફનો ઉપયોગ કરશે. આમ ટ્રમ્પ ભારતનું નાક દબાવવા કોશિષ કરી રહ્યા છે. ભારતનાં દવા ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. કિંમતોમાં મોટાપાયે ઘટાડો થતા ભારતની કંપનીઓનું નફાનું માર્જિન ઘટશે.


