ન્યૂયોર્ક: યુએસ પ્રેસિડન્ટ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારે ટ્રમ્પ-મોદીની મિત્રતાના પગલે ભારત-અમેરિકાના સંબંધો વધુ ઊંચાઈએ જશે તેમ મનાતું હતું. જોકે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી ભારત-અમેરિકાના સંબંધોમાં કડવાશ શરૂ થઈ, તેના મૂળમાં ખરેખર તો પ્રેસિડન્ટ ટ્રમ્પે નોબેલ પીસ પ્રાઈઝ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલો ફોન કોલ હોવાનું મનાય છે.
વિખ્યાત અમેરિકન અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કર્યો હતો. આ પછી વડાપ્રધાન મોદી જી-7 બેઠક માટે કેનેડા પહોંચ્યા હતા. આ સમયે 17 જૂને ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કોલ કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત થઈ હતી. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કહ્યું કે, પાકિસ્તાન તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જઈ રહ્યું છે. ભારતે પણ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ. જોકે મોદીએ ટેલિફોન પર જ ટ્રમ્પની આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’એ અમેરિકન અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને વ્હાઈટ હાઉસ આવવા આમંત્રણ આપ્યું હતું. કારણ કે તે સમયે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પણ વ્હાઈટ હાઉસમાં જ ટ્રમ્પ સાથે એક કાર્યક્રમમાં જોડાવાના હતા. ટ્રમ્પની ઈચ્છા હતી કે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી અને અસીમ મુનીરના હાથ મિલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેનો અમેરિકાના વિજય તરીકે પ્રચાર કરવામાં આવે. જોકે મોદીએ વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ ફગાવી દેતા ટ્રમ્પને ભારે આંચકો લાગ્યો હતો. મોદીએ ટ્રમ્પને ફોન પર જ સ્પષ્ટ કહી દીધું હતું કે, પાકિસ્તાન સાથેના સીઝફાયરમાં તેમની કે અમેરિકાની કોઈ ભૂમિકા નથી.
આ યુદ્ધવિરામ ભારત-પાકિસ્તાન વચ્ચે સીધા સંપર્કથી થયો છે. મોદીની આ વાતથી ટ્રમ્પ નારાજ થઈ ગયા. ત્યાર પછી ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટો પણ પડી ભાંગી. એટલું જ નહીં, વધુમાં ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલો જંગી ટેરિફ નાંખી દીધો.