વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ત્રાટક્યા છે. તેમનો ટેરિફ બોમ્બ મિત્ર દેશો જાપાન અને સાઉથ કોરિયા પર પણ ફૂટયો છે. સોમવારે તેમણે જાપાન અને સાઉથ કોરીયા સહિત 12 દેશો પર 25-25 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ પહેલી ઓગસ્ટથી અમલી બનશે. આ બતાવે છે કે તેમની સાથે ટ્રમ્પની ટ્રેડ ડીલ થઈ શકી નથી. ટ્રમ્પે બન્ને દેશો તેમની સામે નાકલીટી તાણીને આવે તે માટે આ રેસિપ્રોકલ ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે.
જાપાન અને સાઉથ કોરિયાને અમેરિકાના સૌથી નજીકના દેશો ગણવામાં આવે છે. તેમના અમેરિકા સાથે ગાઢ સંબંધો હોવાનું મનાય છે. તેમના પર ટ્રમ્પે ટેરિફ લાદતા અમેરિકા સાથે સંબંધ ધરાવતા બીજા દેશો હચમચી ઉઠયા છે. ટ્રમ્પ ટેરિફ અંગેની ચિંતાને કારણે અમેરિકી શેરબજારમાં પણ સોમવારે કડાકો બોલી ગયો હતો. નવમી જુલાઈની ડેડલાઈન પહેલા જ ટ્રમ્પે જે 12 દેશો પર ટેરિફ લાદ્યો છે તેમાં જાપાન અને સાઉથ કોરિયા ઉપરાંત લાઓસ, સાઉથ આફ્રિકા, કઝાખસ્તાન, મ્યાનમાર, મલેશિયા વગેરેનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન ઈશિબા શિગેરુ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે-મ્યાંગને મોકલાયેલા પત્રોના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. ટ્રમ્પે પત્રોમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આ દેશો કોઇ કારણસર અમેરિકાથી આયાતો પરના ટેરિફ વધારશે તો તેઓ જેટલો વધારો કરશે તેટલા ટકા વત્તા આ 25 ટકા ટેરિફ અમે તેમની ઉપર નાખીશું.