ટ્રમ્પે શરણાગતિ સ્વીકારી, પણ આરોપો નકાર્યા

Wednesday 05th April 2023 16:04 EDT
 
 

ન્યૂ યોર્કઃ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 76 વર્ષીય પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શરણાગતિ સ્વીકારી મંગળવાર 5 એપ્રિલની બપોર પછી મેનહટ્ટન કોર્ટહાઉસમાં પોતાની સામેના ક્રિમિનલ ચાર્જીસના સત્તાવાર વાચન માટે હાજર થયા હતા. પૂર્વ પ્રમુખ સામે ક્રિમિનલ ચાર્જીસ લગાવવાની આ સર્વ પ્રથમ ઐતિહાસિક ઘટના છે. પૂર્વ પ્રમુખ ટ્રમ્પે કોર્પોરેટ ફ્રોડ, હિસાબના ખોટા રેકોર્ડ્સ તૈયાર કરવા તેમજ કાવતરા સહિતના 34 આરોપમાં દોષિત નહિ હોવાનો કોર્ટ સમક્ષ પુનરુચ્ચાર કર્યો હતો.
કોર્ટહાઉસમાં ટ્રમ્પની ધરપકડ પછી ખાનગી રાહે નાણાની ચૂકવણીની તપાસના આરોપમાં સુનાવણી બપોરે 2.30 કલાકે શરૂ કરાઈ હતી. ન્યૂ યોર્ક સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જુઆન મર્કહામની હાજરીમાં ગ્રાન્ડ જ્યૂરી સમક્ષ આ સુનાવણી ચાલી હતી. મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રાગ પણ સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિમિનલ ચાર્જીસના કારણે રિપબ્લિકન નેતાની 2024ની ચૂંટણી ઝૂંબેશને ભારે ધક્કો પહોંચ્યો છે. CNNના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પને એક રૂમમાં લઈ જઈને તેમના ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ્સ લેવાયા હતા જે કોર્ટ અને પોલીસ રેકોર્ડનો ભાગ બનશે.
પૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પના સમર્થકો અને ટીકાકારો વહેલી સવારથી જ કોર્ટહાઉસની બહાર એકત્ર થવા લાગ્યા હતા. ટ્રમ્પ કોર્ટહાઉસ બિલ્ડિંગમાં દાખલ થયા ત્યારે કેટલાક વિરોધીઓએ ચિચિયારીઓ પાડી હતી. ન્યૂ યોર્કમાં ગ્રાન્ડ જ્યૂરીએ 2016ની પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ સાથે એફેરના આક્ષેપોમાં મૌન રાખવા ખાનગી રાહે ચૂકવાયેલા નાણા બાબતે કથિત ભૂમિકાના સંદર્ભે પૂર્વ પ્રમુખ સામે આરોપો લગાવવા મતદાન કર્યું હતું. ટ્રમ્પે આવું કોઈ લફરૂં હોવાનો સતત ઈનકાર કર્યો છે.
ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટારને આપવામાં આવેલા પેમેન્ટનો ખુલાસો વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા જાન્યુઆરી 2018માં કરવામાં આવ્યો હતો. તેના આધારે ટ્રમ્પ સામે ક્રિમિનલ કેસ ફાઇલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રમ્પના પૂુર્વ લોયર અને ફિક્સર માઈકલ કોહેને પણ સ્વીકાર્યું હતું કે તેણે ટ્રમ્પ વતી પોર્ન સ્ટારને 1,30,000 ડોલર આપ્યા હતા. ક્રિમિનલ કેસનો સામનો કરનાર તેઓ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છે.
ગત થોડા વર્ષોમાં ન્યૂ યોર્કના જામીન અંગેના કાયદાઓમાં ધરમૂળ પરિવર્તન આવ્યું હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પને કોઈન જામીન વિના જ મુક્ત કરી દેવાય તેવી શક્યતા છે કારણ કે તેમની સામેના આરોપોમાં જામીન આપવા પડે તેવી જોગવાઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter