વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ વિશ્વભરમાં વસતા ભાવિકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયે સવારે ભગવા ઝંડા સાથે રેલી કાઢી હતી. ટાઈમ્સ સ્ક્વેર પર પણ રામ ભગવાનનું પોસ્ટર છવાયું હતું. ઉલ્લેખનીય છે કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્વટર વાંધાજનક કન્ટેન્ટ પર રોક લગાવવાના નામે બેવડું વલણ અપનાવી રહી છે. તેનું ઉદાહરણ પાંચમી ઓગસ્ટે રાત્રે જોવા મળ્યું હતું. ટિ્વટરે ભગવાન શ્રીરામ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને સંભવિત સંવેદનશીલ કન્ટેન્ટ ગણાવી એક વીડિયો સેન્સર કરી દીધો જ્યારે ઇસ્લામિક જૂથ દ્વારા હિન્દુ ધાર્મિક સ્થળ વિરુદ્ધ દેખાવો અને વાંધાજનક નારા દર્શાવતી તસવીર કોઇ જ ચેતવણી વિના બેધડક ચાલવા દીધી. અમેરિકામાં રામજન્મભૂમિ શિલાન્યાસ ઉત્સવ સમિતિના અધ્યક્ષ જગદીશ સિહાનીએ ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર પરના એક ડિસ્પ્લેનો ૯ સેકન્ડનો વીડિયો ટિ્વટ કર્યો હતો. તેમણે ટિ્વટમાં કહ્યું, ‘આજે ટાઇમ્સ સ્ક્વેર પર આપણા રામ મંદિર અને રામજીને જોઇને મને ઘણું ગૌરવ થયું. આવો, આજે રાત્રે ૭.૩૦ વાગ્યે આ લાઇફટાઇમ ઇવેન્ટનો ઉત્સવ મનાવીએ.’ ટિ્વટરે એવા મેસેજ સાથે આ વીડિયો હટાવી દીધો કે આ મીડિયાની સામગ્રી સંભવિતપણે સંવેદનશીલ છે.
ટાઇમ્સ સ્ક્વેર પર વીડિયો ડિસ્પ્લે ઇસ્લામિક જૂથો તથા અન્ય લોકોના વિરોધ બાદ બંધ કરી દેવાયું. જોકે, અમેરિકી મુસ્લિમ કાઉન્સિલે પાંચમીએ ટાઇમ્સ સ્ક્વેર પર વિરોધ કર્યો અને તેની તસવીરો ટિ્વટર પર પોસ્ટ કરી તો ટિ્વટરે તે તસવીરો ઘણા વાંધાજનક શબ્દો હોવા છતાં પ્રદર્શિત થવા દીધી. તેના પગલે ટિ્વટર પર બેવડા વૈચારિક માપદંડ અપનાવવાનો આક્ષેપ થઇ રહ્યો છે.