વોશિંગ્ટન
ઇલોન મસ્ક દ્વારા ટ્વિટરમાંથી 50 ટકા કર્મચારીઓની હકાલપટ્ટી કરાતાં અમેરિકામાં એચ-વનબી વિઝા પર ટ્વિટરમાં કામ કરતાં વિદેશી નાગરિકો પર દેશનિકાલનું જોખમ સર્જાયું છે. ટ્વિટરમાં ભારતીય અને ચીનના નાગરિકો મોટી સંખ્યામાં કામ કરી રહ્યાં હતાં. હવે તેમને 60 દિવસમાં નવી નોકરી સાથે એચ-વનબી વિઝા પ્રાપ્ત કરવાની ફરજ પડી છે તેથી તેઓ નવી નોકરીઓ શોધવા હવાતિયાં મારી રહ્યાં છે. અમેરિકામાં ઇમિગ્રેશન નિયમ પ્રમાણે નોકરીમાંથી હાંકી કઢાયેલા એચ-વનબી વિઝાધારક વિદેશીઓએ 60 દિવસના ગાળામાં નવી નોકરી શોધી લેવી પડે છે જેથી તેમનું એચ-વનબી સ્ટેટસ યથાવત રહે. અમેરિકામાં ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોના હજારો નાગરિકોને એચ-વનબી વિઝા પર નોકરી આપે છે.
એક અહેવાલ પ્રમાણે ટ્વિટરમાં લગભગ 700 જેટલા વિદેશી નાગરિકો એચ-વનબી વિઝા પર નોકરી કરી રહ્યાં હતાં. તેમાંથી જોકે કેટલાને નોકરીમાંથી હાંકી કઢાયાં છે તેનો સ્પષ્ટ આંકડો સામે આવ્યો નથી.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નોકરીમાંથી હાંકી કઢાયેલા કર્મચારી 60 દિવસમાં નોકરી ન મેળવી શકે તો બી-ટુ વિઝા મેળવીને વધુ છ મહિના અમેરિકામાં રહી શકે છે. જો કે આ સમયગાળામાં તેઓ નોકરી કરી શક્તા નથી પરંતુ તેમને નવી નોકરી શોધીને એચ-વનબી સ્ટેટસ હાંસલ કરવાનો વધારાનો સમય મળી રહેશે. બી-ટુ વિઝાધારક 6 મહિના પછી પણ કેટલાક મહિના સુધી અમેરિકામાં તેનું રોકાણ લંબાવી શકે છે.


