ડિજિટલ અરેસ્ટ-સાઇબર ફ્રોડથી ભયાનકતા છતી કરનાર ભારતીય પત્રકારો આનંદ અને સુપર્ણાને પુલિત્ઝર પ્રાઇઝ

Tuesday 12th May 2026 10:12 EDT
 
 

વોશિંગ્ટનઃ બે ભારતીય પત્રકારોએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ મજબૂત કરી છે. આનંદ આર.કે. અને સુપર્ણા શર્માએ સાયબર ક્રાઇમને ઉજાગર કરતા મહત્વપૂર્ણ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ માટે પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર જીત્યો છે. તેમને આ સન્માન નતાલી ઓબિકો પિયર્સન સાથે ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટરી શ્રેણીમાં અપાયું છે. ‘પત્રકારત્વના નોબેલ’ તરીકે જાણીતો આ પુરસ્કાર તેમને બ્લૂમબર્ગ માટે તૈયાર કરાયેલા વિશેષ રિપોર્ટ ‘ટ્રેપ્ડ’ માટે મળ્યો.

આ પત્રકાર જોડી દ્વારા તૈયાર થયેલો રિપોર્ટ ‘ટ્રેપ્ડ’ લખનઉના ન્યુરોલોજિસ્ટ રુચિરા ટંડન સાથે બનેલી સત્ય ઘટના દ્વારા ડિજિટલ અરેસ્ટના ભયાનક તંત્રને ઉજાગર કરે છે. આનંદના પ્રભાવશાળી ચિત્રણ અને સુપર્ણાના ઊંડાણપૂર્વકના પત્રકારત્વનો આ અનોખો સુમેળ દર્શાવે છે કે કેવી રીતે સાયબર અપરાધીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને માનસિક રીતે બંધક બનાવી લે છે. આ સ્ટોરી માત્ર વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ દેખરેખ પ્રણાલીના દુરુપયોગ અને વૈશ્વિક સ્તરે વધતા સંગઠિત ડિજિટલ કૌભાંડોની એક ગંભીર ચેતવણી પણ છે.

આનંદનું પ્રસંશનીય પ્રદાન
મુંબઈમાં રહેતા આનંદ ઇલસ્ટ્રેટર અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે. તેમણે 2021માં ઇમેજ કોમિક્સ દ્વારા પ્રકાશિત ગ્રાફિક નવલકથા ‘બ્લુ ઇન ગ્રીન’ માટે કલરિસ્ટ જ્હોન પીયર્સન સાથે ‘બેસ્ટ પેઇન્ટર/મલ્ટીમીડિયા આર્ટિસ્ટ’નો આઇઝનર પુરસ્કાર પણ જીત્યો હતો. આનંદ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટના ગ્રેજ્યુએટ સ્નાતક છે.
આનંદે ડાર્ક હોર્સ કોમિક્સની ‘ગ્રેફિટીઝ વોલ’, વૉલ્ટની ‘રેડિયો એપોકેલિપ્સ’ અને ડીસી કોમિક્સની ‘રેઝરેક્શન મેન’ જેવી કૃતિઓનું ચિત્રણ કર્યું છે. તેમણે બૂમ! સ્ટુડિયોઝ, 2000 એડી, ટાઈની અનિયન અને ઇમેજ કોમિક્સ જેવા પ્રકાશકો માટે કવર આર્ટ બનાવ્યું છે. તેમણે હ્યુન્ડાઈ, ભારતીય નૌકાદળ, ઇમેજિન-એફએક્સ મેગેઝિન અને હેવી મેટલ મેગેઝિન જેવા ક્લાયન્ટ્સ સાથે પણ કામ કર્યું છે.

કેર સેન્ટરમાં બેદરકારીનો પર્દાફાશ કર્યો છે સુવર્ણાએ

સુપર્ણા ફ્રીલાન્સ તપાસ પત્રકાર અને સંપાદક છે. તેમને ક્રાઇમ, સંઘર્ષ, આપત્તિઓ અને ભ્રષ્ટાચારના રિપોર્ટિંગનો ત્રણ દાયકાનો અનુભવ છે. 2023માં અલ જઝીરા માટે દિલ્હીની એક કેર ફેસિલિટીમાં લાગેલી ભીષણ આગ પર તેમની તપાસે વૃદ્ધોની સંભાળના ક્ષેત્રમાં બેદરકારી અને સત્યને દબાવવાના કથિત પ્રયાસોનો પર્દાફાશ કર્યો હતો.

ભારતવંશી અનિરુદ્ધ પણ વિજેતા

હનોઈમાં રહેતા ભારતવંશી પત્રકાર અનિરુદ્ધ ઘોષાલને ઇન્ટરનેશનલ રિપોર્ટિંગ શ્રેણીમાં પુલિત્ઝર મળ્યોછે. એસોસિએટેડ પ્રેસ (એપી) સાથે સંકળાયેલા અનિરુદ્ધનો રિપોર્ટ અમેરિકી બોર્ડર પેટ્રોલ દ્વારા સિલિકોન વેલી અને ચીનમાં વિકસિત સર્વેલન્સ ઉપકરણો પર હતો. જ્યારે, દક્ષિણ-પૂર્વ એશિયામાં સાયબર ક્રાઇમ અને માનવ તસ્કરીના નેક્સસનો પર્દાફાશ કરનાર બેંગકોકના ભારતીય મૂળના પત્રકાર દેવજ્યોત ફાઇનલિસ્ટ રહ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter