ડેમોક્રેટિક પાર્ટીના મહેશ ભાગિયા એડિસનના મેયરપદના ઉમેદવાર

Wednesday 07th April 2021 06:57 EDT
 
 

એડિસનઃ ડેમોક્રેટિક પાર્ટીના મહેશ ભાગિયાની એડિસન - ન્યૂ જર્સીના મેયરપદના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. નવેમ્બરમાં તેઓ એડિસન ટાઉનશિપના મેયરપદે ચૂંટાશે તો આ પદ સંભાળનારા તેઓ પ્રથમ ભારતીય-અમેરિકન બનશે. આ પદની સ્પર્ધામાં અન્ય ત્રણ ભારતીય અમેરિકન સહિત પાંચ ઉમેદવાર છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ ઓફ ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી / કનેક્ટિકટના ચેરમેન અંકુર વૈદ્ય અને ફેડરેશન ઓફ ઈન્ડો-અમેરિકન સિનિયર્સ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના ચેર દીપક શાહે ગઈ ૧૧મી માર્ચે મહેશ ભાગિયાના નામ પર મંજૂરીની મહોર મારી હતી. વૈદ્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેયરપદ માટે મહેશ ભાગિયા શ્રેષ્ઠ ઉમેદવાર છે. તેઓ તેમને ઘણાં વર્ષોથી જાણે છે. તેમણે રહીશો માટે ઘણું કામ કર્યું છે. કોમ્યુનિટીને પણ તેમને સપોર્ટ કરવા મારી વિનંતી છે. દીપક શાહે જણાવ્યું હતું કે મહેશ ભાગિયાને એડિસન ટાઉનશીપના ઉમેદવાર તરીકે મંજૂરી આપતા મને ખૂબ ગર્વ થાય છે. તેમણે ભાગિયાને એડિસન અને ત્યાંના રહેવાસીઓેને પ્રથમ સ્થાને લાવી શકે તેવા નેતા ગણાવ્યા હતા.
તાજેતરમાં જ ભાગિયાએ પોપ-અપ ફૂડ પેન્ટ્રીઝનું આયોજન કર્યું હતું અને સિનિયર લોકો, ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને પીપીઈ કીટ આપી હતી. તેમણે એડિસનના લોકલ બિઝનસને પણ મદદરૂપ થવાના પ્રયાસનું નેતૃત્વ સંભાળ્યું હતું.
ભાગિયાએ પોતાના હરીફને ૧૦૧ વિરુદ્ધ ૩૨ મતે હરાવીને એડિસન ડેમોક્રેટિક ઓર્ગેનાઈઝેશનમાં પોતાનું નોમિનેશન સુનિશ્ચિત કર્યું હતું. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ ઓફ ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી / કનેક્ટિકટ ત્રણ વિસ્તાર ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને કનેક્ટિકટનું ભારતીય સમુદાયની સૌથી મોટી છાત્ર સંસ્થાઓ પૈકીની એક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter