ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા

Thursday 11th August 2022 13:28 EDT
 
 

વોશિંગ્ટનઃ યુએસની ટોચની તપાસ એજન્સી FBIએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આલીશાન પામ હાઉસ અને રિસોર્ટ માર-એ-લિગો પર સોમવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા FBI એજન્ટ્સે ટ્રમ્પના ઘરને ઘેરી લીધું હતું અને તપાસ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દરોડાની પુષ્ટિ કરી છે. બીજી તરફ ટ્રમ્પનું કહેવું છે કે મને 2024ની ચૂંટણી લડતા અટકાવાઇ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું, ‘ફ્લોરિડાના પામ બીચમાં મારું સુંદર ઘર માર-એ-લેગો, એફબીઆઈ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. અહીં તપાસ કરવામાં આવી રહી છે. FBI એજન્ટો અહીં છે.’ મીડિયાએ એફબીઆઈ પ્રવક્તાને આ અંગે સવાલ પૂછ્યા તો તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
‘દેશ માટે આ કાળો સમય’
ટ્રમ્પે કહ્યું હતું કે આ પહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સાથે આવું ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓને સહકાર આપ્યો હોવા છતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. તે કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સનો હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે હું 2024ની ચૂંટણી લડું.
ટ્રમ્પના બે નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે આ દરોડો કોઈ નોટિસ વિના જ પાડવામાં આવ્યો હતો. એફબીઆઈ એજન્ટોએ માર-એ-લિગો પર દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા. કહેવામાં આવે છે કે તે હાલમાં ન્યૂ જર્સીમાં છે. અહીં તેઓ એક કેસના સંબંધમાં ગયા હતા. થોડા દિવસ પહેલા જ ટ્રમ્પ સામે 6 જાન્યુઆરીની હિંસાની તપાસ કરતી સંસદીય સમિતિએ કહ્યું હતું કે એફબીઆઈએ તેમની સામે તપાસ ઝડપી થવી જોઈએ.
મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો લઇ જવાનો આરોપ
અહેવાલો અનુસાર, ટ્રમ્પ જ્યારે ગત વર્ષે વ્હાઇટ હાઉસ છોડ્યું ત્યારે તેઓ પોતાની સાથે ઘણા દસ્તાવેજો લઈ ગયા હતા. જોકે, અત્યાર સુધી એફબીઆઈ દ્વારા આ આરોપની કોઈ પુષ્ટિ કરાઇ નથી. એવું કહેવાય છે, ઘણા મોટા બોક્સમાં આ દસ્તાવેજોને માર-એ-લિગોમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારથી અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પ અને તેમના નજીકના મિત્રો પર નજર રાખી રહી હતી. આ દરોડા પણ આના સંબંધમાં જોવામાં આવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter