ન્યૂ યોર્કઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ફ્રોડ એટલે કે છેતરપિંડીના એક કેસમાં દોષિત જાહેર કરાયા છે. ન્યૂ યોર્કની એક અદાલતને જણાયું હતું કે ટ્રમ્પે પોતાનું મહાકાય રીઅલ એસ્ટેટ સામ્રાજ્ય ઊભું કરવા દરમિયાન વર્ષો સુધી બેન્કો તથા વીમા કંપનીઓની સાથે છેતરપિંડી આચરી છે. નોંધનીય છે કે ટ્રમ્પનો દાવો હતો કે હું બિલિયોનેર છું પણ કોર્ટે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ના, તું ફ્રોડ છો.
આ સાથે કોર્ટે ટ્રમ્પની ઘણી કંપનીઓનું નિયંત્રણ તેના હાથમાંથી છીનવીને તેને બંધ કરવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટના આ આદેશને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટની હાર માનવામાં આવે છે, જેની તેના બિઝનેસ કરવાની ક્ષમતા પર ખૂબ ખરાબ અસર થઈ શકે છે.
જોકે ટ્રમ્પના વકીલે આ ચુકાદાને ખોટો ગણાવતાં તેની સામે અપીલ દાખલ કરવાની જાહેરાત કરી છે. ન્યૂ યોર્કના જજ આર્થર એંગોરોને આ ચુકાદો ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ તરફથી પ્રસ્તુત કરવામાં આવેલા સિવિલ કેસની સુનાવણી બાદ આપવામાં આવ્યો હતો.
કોર્ટને જણાયું હતું કે ટ્રમ્પે તેની સંપત્તિ અંગે ખૂબ ઊંચા દાવા તો કર્યા જ હતાં તેની સાથેસાથે ટ્રમ્પ અને તેની કંપનીના મુખ્ય અધિકારીઓએ પોતાના વાર્ષિક ફાઇનાન્સિયલ રિપોર્ટમાં પણ વારંવાર ખોટા આંકડા રજૂ કર્યા હતાં. તેને પગલે તેમને વધારે સારી શરતો સાથે ઋણ અને વીમો હાંસલ કરવામાં મદદ મળી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પની કંપનીઓએ આ મામલે તમામ હદ પાર કરીને અનેક કાયદાન ભંગ કર્યા છે. કોર્ટે ટ્રમ્પ તરફથી કરવામાં આવેલી એ દલીલોને ફગાવી દીધી હતી કે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટની સાથે આપવામાં આવેલ ડિસ્ક્લેમર તેમને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરે છે.