વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના પુત્ર હન્ટર પર 2018માં હેન્ડગન ખરીદતી વખતે માદક દવાઓના ઉપયોગ વિશે ખોટું બોલવા અને ગેરકાયદે બંદૂક રાખવાનો આરોપ લગાવાયો છે. આમ પહેલી વાર બન્યું છે જ્યારે કોઇ વર્તમાન રાષ્ટ્રપતિના સંતાન પર ફોજદારી કેસ ચલાવાયો છે. તે પણ એવા સમયે જ્યારે તેના પિતા 2024ની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. આરોપ અનુસાર હન્ટરે એક ફેડરલ ફોર્મ પર એક બોક્સ ટીક કર્યું હતું જેમાં જાહેરાત હતી કે જ્યારે 2018માં તેણે ડેલાવેરમાં કોલ્ટ કોબરા સ્પેશિયલ ખરીદી હતી ત્યારે તે ડ્રગ્સનો ઉપયોગ નહોતો કરતો અથવા તેને તેની ટેવ નહોતી. આરોપથી જાણવા મળે છે કે હન્ટર ગનની ખરીદી સમયે ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યો હતો. તેણે ખોટું નિવેદન આપીને બંદૂક વેચનારી કંપનીને દગો આપ્યો હતો. ગેરકાયદે રીતે બંદૂક રાખવાનો આરોપ હન્ટર બાઇડેન માટે કાનૂની અને વ્યક્તિગત નિષ્ફળતાઓમાં એક મોટો આંચકો છે. આરોપ છે કે હન્ટરે ક્રેક કોકેઇનના સેવનની ટેવ હતી તે દરમિયાન બંદૂક ખરીદવાના કાયદાનો ભંગ કર્યો હતો.
બાઇડેન સામે મહાભિયોગ તપાસ
હન્ટર સામે કેસ એવા સમયે ચલાવાઇ રહ્યો છે જ્યારે રિપબ્લિકન નેતાઓએ હન્ટરની નાણાકીય વેપારીક લેવડદેવડ મુદ્દે રાષ્ટ્રપતિ જો બાઇડેન સામે મહાભિયોગ તપાસ શરૂ કરી છે. રિપબ્લિકન પ્રતિનિધિ જેમ્સ કોમરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હન્ટર વિરુદ્ધ આજના આરોપ નાની શરૂઆત છે. અધિકારીઓએ માગ કરી છે કે તે છેતરપિંડીની યોજનાઓ અને ડ્રગ પેડલિંગમાં સામેલ તમામ લોકોની તપાસ કરે.