વોશિંગ્ટન: અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબ્બાર્ડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. કેન્સરથી પીડિત પતિની સારવાર માટે તેમણે હોદ્દો છોડવાનો આ નિર્ણય કર્યો છે. આ સાથે જ તેઓ ટ્રમ્પની બીજી ટર્મમાં રાજીનામું આપનારા ચોથા ટોચના હોદ્દેદાર છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે મારા પતિ અબ્રાહમને તાજેતરમાં ભાગ્યે જ જોવા મળતા બોન કેન્સરનું નિદાન થયું છે. એક તબક્કે એવી વાત અટકળ વહેતી થઇ હતી કે ટ્રમ્પે ઇરાન પર હુમલો કર્યો તેનાથી તુલસી ગબ્બાર્ડ નારાજ હતા અને વહીવટી તંત્રમાં તડાં પડી ગયા હતા. હવાઈનાં પીઢ અને ડેમોક્રેટિક કોંગ્રેસ નેતા તુલસી ગબ્બાર્ડે અમેરિકન સેનેટને પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકાએ હુમલો કર્યા પછી ઇરાને પરમાણુ ક્ષમતા વિકસાવવા કોઈ પ્રયત્ન કર્યા નથી.
તુલસી ગબ્બાર્ડનો ઇસ્કોન સાથે નાતો
યુએસ ઈન્ટેલિજન્સ ચીફ અને વરિષ્ઠ નેતા તુલસી ગબ્બાર્ડનો ISKCON (ઇસ્કોન) સાથે ગાઢ આધ્યાત્મિક નાતો ધરાવે છે. તેઓ ગૌડીય વૈષ્ણવ પરંપરાના અનુયાયી છે અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ તથા ભગવદ ગીતાના ઉપદેશોને તેમના જીવનનો મુખ્ય ભાગ માને છે. તુલસી ગબ્બાર્ડે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ નિયમિતપણે જપમાળાનો ઉપયોગ કરે છે અને યુદ્ધ ક્ષેત્રોમાં કે રાજકીય મુશ્કેલીઓ સમયે ભગવદ્ ગીતાના જ્ઞાનમાંથી શક્તિ મેળવે છે. તેઓ ઇસ્કોનના અનેક કાર્યક્રમોમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી ચૂક્યાં છે. તુલસી ગબ્બાર્ડના આધ્યાત્મિક ગુરુ સિદ્ધસ્વરૂપાનંદ (ક્રિસ બટલર) છે, જેઓ ઇસ્કોનના સ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (શ્રીલ પ્રભુપાદ)ના શિષ્ય હતા. આ પરંપરા દ્વારા તેમનું ઇસ્કોન સાથે સીધું આધ્યાત્મિક જોડાણ જોડાયેલું છે. તુલસીને ઘણીવાર ઇસ્કોન અને અન્ય વૈષ્ણવ કાર્યક્રમોમાં હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરતા અને ભક્તિભાવથી કીર્તન ગાતા જોવા મળ્યા છે.


