ત્રણ ટીનેજર્સની હત્યાના કેસમાં ભારતવંશી દોષિત

Saturday 06th May 2023 12:41 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ઘરની ડોરબેલ વગાડવાની ટીખળ કરીને પજવણી કરનાર ત્રણ ટીનેજરની હત્યા કરવા બદલ ભારતવંશી નાગરિકને દોષી ઠેરવવામાં આવ્યો છે. બનાવની રાત્રે તે નશામાં હોવાનું કબૂલ કરીને તેણે ગુસ્સામાં આવીને આ કૃત્ય આચર્યાની કબૂલાત કરી છે.
રિવરસાઈડ કાઉન્ટીમાં રહેતો અનુરાગ ચંદ્રા ત્રણ વાર હત્યાના પ્રયાસ અને ત્રણ હત્યાના કેસમાં દોષિત પુરવાર થયો છે. આ ઘટના 19 જાન્યુઆરી 2020ના રોજ બની હતી જ્યારે ટીનેજર્સના એક જૂથે ચંદ્રાના ઘરની બેલ વગાડી હતી. આ પછી ટીનેજર્સ પોતાની કારમાં ભાગી રહ્યા હતા ત્યારે ચંદ્રાએ પોતાની કારમાં તેમનો પીછો કરીને ગુસ્સામાં તેમની કાર સાથે પોતાની કાર અથડાવી હતી. આ અથડામણમાં ડેનિયલ હોકિન્સ, ડ્રેક રુઈઝ અને જેકબ ઈવા નામના ત્રણ ટીનેજર્સના ઈજાથી મોત થયા હતા. ત્રણે કિશોર 16 વર્ષની વયના હતા. 18 વર્ષનો ડ્રાઈવર અને 13 વર્ષના બીજા બે ટીનેજર્સ બચી ગયા હતા.
ચંદ્રાએ ટ્રાયલમાં પોતાના બચાવમાં જણાવ્યું કે આગલી રાતે તેણે ઘરની બહાર એક વ્યક્તિને જોયો હતો જેના કારણે તેને પોતાના પરિવારની સુરક્ષા વિશે ચિંતા થઈ હતી. તેણે આ કૃત્ય ગુસ્સામાં કર્યું હતું અને તેનો ટીનેજર્સને મારવાનો કોઈ ઈરાદો નહોતો. તેને જાણ નહોતી કે આવી રીતે કાર અથડાવવાથી ટીનેજર્સના મોત થશે. ચંદ્રાએ એવી પણ માહિતી આપી કે તેણે બનાવની રાત્રે બીયરની 12 બોટલો પીધી હતી. તેણે એવું પણ જણાવ્યું કે અથડામણ પછી તેને પોતાની કાર અટકાવી નહોતી કારણ કે કોઈને ઈજા થઈ હોવાનું તે નહોતો માનતો.
આ જીવલેણ અથડામણ અગાઉ ચંદ્રા સામે ઘરેલુ હિંસાના આરોપ પણ મુકાયા છે. 14 જુલાઈએ જાહેર થનારી સજામાં ચંદ્રાને આજીવન કેદ જાહેર થવાની સંભાવના છે. જોકે ચંદ્રાના વકીલે જણાવ્યું છે કે આ કેસમાં અનેક બાબતોનો વિચાર નથી કરાયો માટે તેઓ આગળ અપીલ કરશે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં હત્યાનો આશય નહોતો તેમજ તપાસમાં અનેક ક્ષતિઓ રહી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter