વોશિંગ્ટનઃ ત્રણ ટીનેજર્સની હત્યાના ગુનાની કબૂલાત કરનાર 45 વર્ષના ભારતવંશીને પેરોલ વગર આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ વ્યક્તિએ તેની કાર વડે ઈરાદાપૂર્વક એક વાહનને ટક્કર મારી હતી. જેમાં ત્રણ 16 વર્ષનાં ટીનેજર્સનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણ ટિનેજર્સને ગંભીર ઈજા પહોંચી હતી. આ ટીનેજર્સે 2020માં અનુરાગના નિવાસસ્થાનની ડોરબેલ વગાડીને તેને હેરાન કર્યો હતો.
કેલિફોર્નિયાના અનુરાગ ચંદ્રાને ગયા એપ્રિલમાં હત્યાના પ્રયાસના ત્રણ ગુનાઓ સહિત અન્ય આરોપોમાં દોષિત ઠેરવાયો હતો. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અનુરાગ ચંદ્રાએ જાણી જોઈને તેની કાર ટીનેજર્સના વાહન સાથે ટક્કર મારી હતી. આ જીવલેણ અકસ્માત 19 જાન્યુઆરી 2020ની રાત્રે ટેમેસ્કલ કેન્યોન રોડ પર થયો હતો. આ છ ટીનેજર્સ ટોયોટા પ્રાયસ કારમાં હતા. અનુરાગે તેની કારને પૂરઝડપે ચલાવીને ટિનેજર્સની કારને ટક્કર મારતાં કાર પૂર્વ બાજુએ એક ઝાડ સાથે અથડાઈ હતી અને ત્રણનાં મૃત્યુ થયા હતા.