ફોર્ટ વોશિંગ્ટનઃ સવાણી ગ્રૂપનું સંચાલન કરતા ત્રણ ભાઈઓ- ભાસ્કર સવાણી, નિરંજન સવાણી અને અરુણ સવાણીની ઈમિગ્રેશન સત્તાવાળા, IRS, FDA ને સાંકળતા મલ્ટિ-મિલિયન ડોલરના હેલ્થકેર કૌભાંડમાં સંડોવણી હોવાનો આરોપ લગાવાયો છે. ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ પેન્સિલ્વેનિયાના યુએસ એટર્નીના કહેવા મુજબ સવાણી બંધુઓએ તેમના ડેન્ટલ બિઝનેસનો ઉપયોગ 10 કરતાં વધુ વર્ષથી ક્રિમિનલ એન્ટરપ્રાઈઝ તરીકે કર્યો હતો અને કરદાતાઓના લાખો ડોલરની ઉચાપત કરી હતી. ભાસ્કર,અરુણ અને નિરંજન સવાણી, સુનિલ ફિલિપ અને એલેકસાન્ડ્રા રાડોમિઆકે ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ પેન્સિલ્વેનિયાની કોર્ટમાં 20 જાન્યુઆરીએ પ્રાથમિક હાજરી આપી હતી. અમેન ધીલોન અને એલેકસાન્ડ્રા રાડોમિઆક પણ આ કાવતરામાં સહયોગી હોવાનો આરોપ છે. આમ, સવાણીબંધુઓે સહિત ૮ ભારતીય સામે વિવિધ આરોપ લગાવાયા છે.
ડેન્ટિસ્ટ ભાઈઓ 57 વર્ષીય ભાસ્કર સવાણી અને 51 વર્ષીય નિરંજન સવાણી સામે શ્રેણીબદ્ધ ડેન્ટલ પ્રેક્ટિસીસ અને સંબંધિત કંપનીઓની માલિકી મારફત વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ, ફેડરલ ટેક્સની ચોરી અને છેતરપિંડીમાંથી મળતી કમાણીના મની લોન્ડરિંગમાં સંડોવણીના આરોપો લગાવાયા છે. જ્યારે 55 વર્ષીય ત્રીજો ભાઈ અરુણ સવાણી સવાણી ગ્રૂપ કંપનીઓની માલિકી અને ફાઈનાન્સિયલ બાબતો સંભાળતો હતો. આ ત્રણે ભાઈઓ યુએસ વર્ક વિઝા માટે વર્કર્સના સાચા જોબ ટાઈટલ્સ અને કામકાજની જવાબદારીઓ છુપાવવા સાથે વિદેશી કામદારોની ભરતીનું ષડયંત્ર ચલાવતા હતા.
સવાણી ગ્રૂપ માટે કામ કરતા બહારના 57 વર્ષીય એકાઉન્ટન્ટ અને સવાણીબંધુઓના અંગત એકાઉન્ટન્ટ સુનિલ ફિલિપ પણ આ ભાઈઓ સાથે મળી ફેડરલ ટેક્સીસની ચોરી માટે વાયર ફ્રોડ સ્કીમમાં સંડોવાયા હોવાનો આરોપ લગાવાયો છે. સવાબંધુઓ ગ્રૂપના અન્ય કર્મચારીઓ સાથે મળીને ‘ઓન પેપર’ ડેન્ટલ પ્રેક્ટિસીસના નોમિનીનો ઉપયોગ કરી મેડિકેઈડ (Medicaid) કોન્ટ્રાક્ટ્સ હાંસલ કરી તેમાંથી નફો રળવાની યોજના ચલાવતા હતા. 70 વર્ષીય જોન જુલિઆન સવાણી ગ્રૂપ માટે લાયસન્સ્ડ ડેન્ટિસ્ટ હતી તેમજ ભાસ્કર અને નિરંજન સવાણી સાથે મળીને યુએસ કોમર્સમાં ભેળસેળયુક્ત અને હલકી બ્રાન્ડના ડેન્ટલ ઉપકરણો વેચવાનું ષડયંત્ર પણ ચલાવતા હોવાનો આરોપ છે.
વિવેક સવાણી (35), ભરતકુમાર પરસાણા (55) અને હિતેશકુમાર ગોયાણી (39) અને પિયુષા પટેલ (41)ને સવાણી ગ્રૂપ માટે સ્પેશિયાલિટી ઓક્યુપેશન માટેના H1-B વિઝા પ્રોગ્રામ હેઠળ નોકરીએ રાખવામાં આવ્યા હતા પરંતુ, આ લોકો ગ્રૂપની ડેન્ટલ પ્રેક્ટિસીસ માટે ઓફિસ સપોર્ટની ભૂમિકાનું કામ કરતા હતા. સુસાન માલપાર્ટિડા (26) સામે પણ સવાણીબંધુઓ સાથે કાવતરામાં સામેલ થવાનો આરોપ લગાવાયો છે.