વોશિંગ્ટનઃ યુએસના મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA - ‘માગા’) રિપબ્લિકન ચળવળના ટેકેદારો જેના પ્રેમમાં પડી ગયા હતા તે અમેરિકન બ્લોન્ડ લશ્કરી યુવતી જેસિકા ફોસ્ટરનું એકાઉન્ટ બંધ કરી દેવાતાં તેના 10 લાખ કરતાં વધારે ફોલોઅર્સ માટે એ માનવું મુશ્કેલ બની રહ્યું છે કે તે અસલી બ્લોન્ડ યુવતી નહીં પણ એક એઆઇ અવતાર હતો. ‘વોશિંગ્ટન પોસ્ટ’માં પ્રકાશિત અહેવાલ અનુસાર જ્યારે યુએસના લશ્કરને આ જેસિકા ફોસ્ટર વિશે પૂછાયું ત્યારે જણાવાયું કે આ નામની વ્યક્તિનો કોઇ રેકોર્ડ નથી.
જેસિકા ફોસ્ટરના જાતજાતના વીડિયો બનાવી ઓનલાઇન મુકાયા હતા. આ વીડિયોમાં જેસિકા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલતી દેખાય છે, તે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે સેલ્ફી લે છે, મેલેનિયા ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળે છે. બીજું તો ઠીક તે વેનેઝુએલાના બંદી બનાવાયેલા પ્રમુખ નિકોલસ માદુરોને કેદમાં પુરે છે. આ બ્લોન્ડ મહિલા સૈનિકના 10 લાખ કરતાં વધુ ફોલોઅર્સ હતા અને તેની તસવીરોને લાખો લોકોએ લાઇક કરી હતી. સમસ્યા એક જ છે કે આ બ્લોન્ડ લશ્કરી યુવતીનું કોઇ અસ્તિત્વ જ નથી. આથી જ એમ મનાય છે કે અમેરિકા ફર્સ્ટ એજન્ડાની સેવામાં અસામાન્ય જીવન જીવતી યુએસ આર્મીની સૈનિક જેસિકાનું સર્જન એઆઇ દ્વારા કરાયું હતું.
જેસિકાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં યુદ્ધજહાજ પર હીલ્સ પહેરીને ફરતી બતાવવામાં આવી હતી. તે ભાષણો આપતી હતી અને અન્ય મહિલા સૈનિકો સાથે ઓશિકાં વડે લડતી પણ હતી. ‘વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર જેસિકાને બ્યુટિફૂલ ગણાવનારા અને તેના ‘અમેરિકા ફર્સ્ટ’ મેસેજને બિરદાવતાં લોકોના પ્રોફાઇલ્સ પિકચર્સ મોટાભાગે પુરુષોના છે. જેસિકાના કેટલાક ફોટાઓને તો 30 હજાર કરતાં પણ વધારે લાઇક્સ મળી હતી, જેમાં વપરાશકારોએ દિલના ઇમોજી સાથે કોમેન્ટ્સ કરી હતી. દેખીતી વાત છે કે આ ફોલોઅર્સમાંથી કોઇએ જેસિકા અસલી છે કે નકલી તે તપાસવાની કોઇ દરકાર કરી નહોતી.
ભૂતપૂર્વ રિપબ્લિકન કોંગ્રેસમેન એડમ કિન્ઝિન્ગરે એક્સ પર પોસ્ટ મુકી જણાવ્યું હતું કે જેસિકા ફોસ્ટર એઆઇ છે. જેસિકા ફોસ્ટર યુએસ આર્મીમાં સૈનિક નથી. જો તમે કોમેન્ટ્સ જુઓ તો સમજાશે કે લોકો એઆઇ પાછળ પાગલ બની ગયા છે. આ તો નર્યું ગાંડપણ છે.
જોકે, આવું અમેરિકામાં જ બને છે તેવું નથી, અમેરિકા બહાર પણ આવું જોવા મળે છે. બીબીસીના અહેવાલ અનુસાર ઇરાની મહિલા સૈનિકો અને પાઇલટ્સના હજારો વીડિયો ઓનલાઇન ફરે છે જે તેમના સૈનિકોને પાનો ચડાવે છે. હકીકત એ છે કે ઇરાનના લશ્કરમાં મહિલાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.


