દિવાળીએ ટ્રમ્પની દીવા જેવી ચોખ્ખી વાતઃ બિઝનેસ ડીલમાં ભારત સારા વેપારી જેવો છે

Thursday 15th November 2018 06:44 EST
 
 

વોશિંગ્ટનઃ વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નરેન્દ્ર મોદી સારા મિત્ર છે. તેમણે કહ્યું કે બિઝનેસ ડીલ્સમાં ભારત સૌથી બહેતર દેખાવ કરે છે. ભારતે એસ – ૪૦૦ મિસાઇલ સોદો અને તે પછી ઈરાન પાસેથી તેલનો પુરવઠો ખરીદ કરવા અમેરિકી પ્રતિબંધમાંથી છૂટછાટ મેળવી લીધા પછી ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે વડા પ્રધાન મોદીના મૈત્રીભાવ બદલ કૃતજ્ઞ છીએ. ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથે બહેતર વેપારી સોદા કરવા અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. ભારતના બિઝનેસ પ્રતિનિધિઓ કુશળ વાટાઘાટો કરનારા હોવાનું કહેતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ભારતીયો ખૂબ સારા વેપારી છે. વાટાઘાટો પણ સારી રીતે કરી શકે છે. તેઓ સારા વેપારી હોવાથી જ તેમની સાથે કામ કરી રહ્યા છીએ અને તેમની સાથે આગળ વધી રહ્યા છીએ.’ ભારતના રાજદૂત નવતેજસિંહ સરના તરફ જોઇને તેમને પણ ટ્રમ્પે કહ્યું કે, ‘તમે પણ આ વાત માનશો.’

દિવાળી પ્રસંગે ટ્વિટ કરતાં તેમણે કહ્યું હતું કે, રૂઝવેલ્ટ રૂમમાં હિંદુ પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણીનું આયોજન કરીને સન્માનિત થયો છું. શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે દિવાળી પવિત્ર દિવસ છે. બૌદ્ધ, જૈન અને શીખ સમુદાય તેને મનાવે છે. ટ્રમ્પે ટ્વિટમાં હિંદુઓનો ઉલ્લેખ ના કરતાં સોશિયલ મીડિયા પર તેમની આલોચના થઈ હતી. જોકે પછીથી તેમણે વાત વાળતાં હિંદુપર્વ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકી પ્રમુખે આ પ્રસંગે ભારતીય અમેરિકી વકીલ નિઓમી રાવને ડીસી સર્કિટ અપીલ કોર્ટમાં વરણી માટે નોમિનેટ કર્યાની જાહેરાત પણ કરી હતી. વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવણી પ્રસંગે ટ્રમ્પ દ્વારા નિયુક્ત ભારતીય અધિકારી મનીષા સિંહ, અજિત પેઈ, સીમા વર્મા, ઉત્તમ ધિલ્લોન અને રાજ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઈવાન્કા ટ્મ્પ, મીરા રિકાર્ડેલ અને પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

મોદી-ટ્રમ્પની મુલાકાત થશે

ટ્રમ્પે કહ્યું કે, મોદી અને તેઓ ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે આર્જેન્ટિનામાં જી -૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશે. ત્યાં બંને વચ્ચે બેઠક યોજાવાની સંભાવના છે. વ્હાઇટ હાઉસ તરફથી જોકે હજી આ વિશે કોઈ જાહેરાત થઈ નથી. વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવણી કરતાં ટ્રમ્પે ભારતના રાજદૂત નવતેજસિંહ સરનાને કહ્યું હતું કે, ‘હું ટૂંક સમયમાં તેમની સાથે વાતચીત કરવાનો છું. આભાર.’ સરનાએ પણ જવાબમાં કહ્યું હતું કે, ‘તેઓ પણ આપને મળવા માગે છે.’

મોદીને દિવાળીની શુભેચ્છા

દિવાળી ઉજવણી પર્વે ખાસ નિમંત્રિત ભારતના રાજદૂત સરનાને ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમને તમારો દેશ પસંદ છે. તમે જાણો છો કે વડા પ્રધાન મોદી માટે હું સન્માનની લાગણી ધરાવું છું. મારા તરફથી તેમને હાર્દિક શુભકામના કહેશો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter