વોશિંગ્ટનઃ બિલિયોનેર બિઝનેસમેન અને ટ્રમ્પનાં ખાસ ગણાતા ટેસ્લાનાં માલિક એલન મસ્કે આખરે ટ્રમ્પ સાથે છેડો ફાડયો છે. તેમણે ટ્રમ્પ સરકારનાં DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્ન્મેન્ટ એફિશિયન્સી) વિભાગનાં વડાપદેથી રાજીનામું આપ્યું છે. મસ્કે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે સ્પેશ્યલ ગવર્ન્મેન્ટ એમ્પ્લોયી તરીકે મારો સમય પૂરો થયો છે. મને પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ વિભાગ માટે જે જવાબદારી સોંપી હતી તે માટે તેમનો આભાર માનું છું. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં DOGEની જવાબદારી મસ્કને સોંપી હતી. જેનું કામ સરકારી ખર્ચાઓમાં કાપ મૂકી કરકસર કરવાનું હતું. ટ્રમ્પ સરકારનાં કરકસર વિભાગનાં વડા પદે મસ્કે કેટલાક વિવાદિત નિર્ણયો લેતા અને હજારોની નોકરીઓ છીનવી લેતા હોબાળો મચ્યો હતો. સરકારનાં કરકસર વિભાગનાં કેટલાક નિર્ણયો સામે સવાલો પણ ઊઠ્યા હતા.
ટ્રમ્પ-મસ્ક વચ્ચે મુખ્યત્વે બે મુદ્દે મતભેદો પ્રવર્તતા હતા. એક તો, ઇમિગ્રેશન બિલ મુદ્દે. મસ્કે ટ્રમ્પનાં મહત્વકાંક્ષી બિગ બ્યૂટીફૂલ બિલની જાહેરમાં ટીકા કરી હતી. ટેક્સમાં કાપ અને કડક ઈમિગ્રેશન નીતિને વેગ આપવા આ બિલ રજૂ થયું છે. મસ્કના મતે આ બિલથી સરકારી ખર્ચ અને સરકારી ખોટ બંને વધશે. આ ઉપરાંત બીજો મુદ્દો હતો હિતોનાં ટકરાવનો છે. મસ્કે DOGEનાં વડા તરીકે ખર્ચા ઘટાડવા સરકારી નોકરીમાં 12 ટકા ઘટાડો કરતાં 2.60 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. લોકો રોષે ભરાયા હતા. લોકોએ મસ્કની ટેસ્લા કારને ટાર્ગેટ બનાવીને સળગાવી હતી. તેનો બોયકોટ કરતાં મસ્ક અને ટેસ્લા બંનેને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત મસ્કે કેટલાક દેશોની આંતરિક બાબતોમાં દખલ કરી હતી. મસ્કનો બિઝનેસ પ્રભાવિત થતા અને કરોડોનું નુકસાન થતા મસ્કે આખરે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો હતો.