ધરતીને મહાવિનાશથી બચાવવા ‘નાસા’નું મહામિશન

Wednesday 28th September 2022 05:43 EDT
 
 

વોશિંગ્ટનઃ અંતરિક્ષ ક્ષેત્રે ‘નાસા’ અનેકવિધ સંશોધનો કરી ચૂક્યું છે અને સમયાંતરે અનેક વિક્રમો પણ સર્જ્યા છે. મંગળવારે ‘નાસા’એ ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે. પૃથ્વી માટે મહાવિનાશક ગણાતા એસ્ટેરોઈડથી બચાવવા ‘નાસા’એ હાથ ધરેલું મિશન ડાર્ટ સફળ રહ્યું છે. સ્પેસ એજન્સીએ પૃથ્વી ધસમસતા આવી રહેલા એસ્ટરોઇડ્સ સાથે સ્પેસક્રાફ્ટ અથડાવીને તેનો માર્ગ બદલવા પ્રયાસ કર્યો હતો. અલબત્ત, આનો ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ હાલ તો મહાપ્રયોગ સફળ રહ્યો છે.
અમેરિકન સમય પ્રમાણે સોમવારે સાંજે 7.14 કલાકે અંતરિક્ષમાં ધરતીથી આશરે 1.1 કરોડ કિલોમીટર દૂર આ અનોખી અને ઐતિહાસિક ટક્કર થઇ હતી. ફૂટબોલ સ્ટેડિયમના કદનો આ લઘુગ્રહ ડિમોર્ફસ સાથે અવકાશયાન અથડાતાં જ પ્રોજેક્ટ ડાર્ટ સાથે સંકળાયેલી ‘નાસા’ની ટીમ આનંદથી ઉછળી પડી હતી. આ મિશનના ભાગરૂપે ‘નાસા’નું 42 ફૂટ લાંબુ અને 570 કિલોનું અવકાશયાન ડાર્ટ (ડબલ એસ્ટેરોઇડ રિડાયરેક્શન ટેસ્ટ) 2560 ફૂટ અને 5 બિલિયન કિલોના એસ્ટેરોઇડ ડિમોર્ફસ સાથે અથડાયું હતું. અથડામણનો હેતુ એસ્ટેરોઇડનો નાશ કરવાનો નહોતો, પરંતુ એની ભ્રમણ-કક્ષાને બદલવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter