નરેન્દ્ર મોદી અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરશે

Saturday 15th April 2023 12:37 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની રાજકીય યાત્રાની રૂપરેખા તૈયાર થઇ ગઇ છે. મોદી જૂનના ત્રીજા સપ્તાહમાં આશરે પાંચ દિવસ માટે અમેરિકા જશે. અમેરિકાની યાત્રા દરમિયાન મોદી અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે. વડા પ્રધાન તરીકે મોદીની આ પ્રથમ સત્તાવાર યાત્રા છે. છેલ્લે મનમોહન સિંહ 24મી નવેમ્બર 2009માં અમેરિકા ગયા હતા. એ વખતે બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા.
વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે વડા પ્રધાનને રાજકીય યાત્રા માટેનું આમંત્રણ જો બાઈડેને આપ્યું હતું. છેલ્લા બે મહિનાથી બંને પક્ષોના અધિકારીઓ યાત્રાની તારીખને લઇને વાતચીત કરી રહ્યા હતા. ભારત તરફથી 21મી જૂને યાત્રા હાથ ધરવા માટે રજૂઆત કરાઇ હતી. એ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાશે.
અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધવા માટે જૂન મહિનાની પસંદગી કરાઇ છે. એ વખતે સેનેટ અને પ્રતિનિધિસભાનું સત્ર જારી રહેશે. ભારતે 21મી જૂનથી યાત્રા શરૂ કરવા માટે રજૂઆત કરી છે. સૂત્રો મુજબ વડા પ્રધાન સૌથી પહેલાં ન્યૂ યોર્ક જઇ શકે છે. એ વખતે તેઓ યોગ દિવસ પર યુનાઇટેડ નેશન્સ ઓફિસમાં હાજરી આપશે. મોદી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધી શકે છે.
મોદીની રાજકીય યાત્રાની શરૂઆત વોશિંગ્ટનથી થશે, જ્યાં વ્હાઇટ હાઉસમાં રેડ કાર્પેટ સ્વાગત કરાશે. બાઈડેન તેમના સન્માનમાં ડિનર પણ યોજશે. બંને નેતા વચ્ચે છેલ્લી બેઠક ઇન્ડોનેશિયાના બાલીમાં જી-20ની શિખર બેઠક દરમિયાન થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter