નવદીપ કૌરે મિસિસ વર્લ્ડ ૨૦૨૨નો બેસ્ટ નેશનલ કોસ્ચ્યુમ એવોર્ડ જીત્યો

Tuesday 25th January 2022 13:14 EST
 
 

લાસ વેગાસ (નેવાડા)ઃ લાસ વેગાસમાં યોજાયેલી મિસિસ વર્લ્ડ ૨૦૨૨ સ્પર્ધામાં કોસ્ચ્યુમ રાઉન્ડના વિજેતા નવદીપ કૌરે આ એવોર્ડ જીતવા અંગેના પોતાના અનુભવ વિશે વાત કરી હતી અને લોકોને પોતાની અંગત ઓળખ ન ગુમાવવા, પોતાના સ્વપ્નો માટે જીવવા અને સફળતા મેળવવા માટે પોતાની જાત પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે તેમનો અનુભવ ખૂબ સરસ રહ્યો હતો અને તેમણે જે આશા રાખી હતી તેના કરતાં વધુ શીખ્યા હતા. તેમને જે પ્રસિદ્ધિ મળી તે તો અકલ્પનીય હતી અને તેમની આ સફર જીવનભરની યાદગીરી બની રહેશે.

તેમણે પરિધાન કરેલા કુંડલિની ચક્ર પ્રેરિત પહેરવેશ માટે તેમને મિસિસ વર્લ્ડ ૨૦૨૨ની સ્પર્ધામાં બેસ્ટ નેશનલ કોસ્ચ્યુમ એવોર્ડ મળ્યો હતો. આ ડ્રેસ સાથે તેમણે વૈશ્વિક મંચ પર ભારતના સાંસ્કૃતિક પાસાને સુંદર રીતે રજૂ કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે તેમનો કોસ્ચ્યુમ કુંડલિની ચક્રથી પ્રેરિત હતો. તે સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ કુંડળ આકારમાં ગોઠવાયેલો સર્પ થાય છે. આપણા શરીરમાં ૭ ચક્ર છે અને કુંડલિની ચક્ર જાગ્રતિ તરીકે પણ ઓળખાય છે.

પર્સનાલિટી ડેવલપમેન્ટ ટ્રેઈનર અને બેંક કર્મચારી નવદીપ કૌરે જણાવ્યું કે તેમનો પરિવાર તેમના માટે શ્રેષ્ઠ આશીર્વાદ છે. ખૂબ સુંદર પુત્રી અને સપોર્ટ કરતા પતિ તેમજ તેમના અને તેમના પતિના માતાપિતા તમામે તેમને જીવનમાં જે ઈચ્છે તે હાંસલ કરી શકશે તેવો સપોર્ટ અઇને વિશ્વાસ આપ્યા હતા.

તેમણે જણાવ્યું કે તેઓ ઈન્ડોનેશિયન આર્ટિસ્ટ એજી જસ્મીનના સંપર્કમાં આવ્યા હતા. તેમણે સંસ્કૃતિ અને વીરાસતનું પ્રતિનિધિત્વ કરતા અનોખા અને આઈડિયા સાથેના જે કન્સેપ્ટ પર મારે કામ કરવાનું હતું તે નિશ્ચિત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે તેમની સંસ્થા મિસિસ ઈન્ડિયા Inc, એજી જસ્મીન અને તેમણે મહિનાઓ સુધી ચર્ચા કરી ત્યારે કુંડલિની ચક્રનો આઈડિયા આવ્યો હતો જે કામ કરવા માટે ખૂબ સુંદર અને અનોખો વિષય રહ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter