નાસાના સ્પેસ X ક્રૂ - ૩ મિશનનું નેતૃત્વ રાજા ચારી કરશે

Tuesday 12th October 2021 16:36 EDT
 
 

આગામી ૩૧ ઓક્ટોબરે નાસા ક્રૂ રોટેશન ફ્લાઈટ અંતરિક્ષયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લઈ જનારા અમેરિકાના કોમર્શિયલ સ્પેસક્રાફ્ટનું નેતૃત્વ ભારતીય અમેરિકન અંતરિક્ષયાત્રી રાજા ચારી સંભાળશે. નાસાના સ્પેસ X ક્રૂ - ૩ મિશનમાં કમાન્ડર રાજા ચારી ઉપરાંત નાસાના અંતરિક્ષયાત્રીઓ ટોમ માર્શબર્ન અને કાલા બેરન તેમજ યુરોપિયન સ્પેસ એજન્સીના અંતરિક્ષયાત્રી મેથિયાસ મૌરર ફાલ્કન 9 રોકેટ પર ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં સ્પેસ સ્ટેશન જશે. આ સ્પેસક્રાફ્ટ ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરના લોંચ કોમ્પલેક્સ 39A પરથી રવાના થશે.

આ ક્રૂ - ૩ મિશન નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના ભાગરૂપ છે. ચારી, બેરન અને મૌરર માટે આ પહેલી જ્યારે માર્શબર્ન માટે ત્રીજી સ્પેસફ્લાઈટ છે. તેઓ માઈક્રોગ્રેવિટી લેબોરેટરીમાં છ મહિનાનું સાયન્સ મિશન પૂરું કરશે.

૨૦૧૭ના એસ્ટ્રોનોટ કેન્ડીડેટ ક્લાસમાં જોડાવા માટે નાસા દ્વારા ચારીની પસંદગી થઈ હતી. તે ઓગસ્ટ ૨૦૧૭માં જોડાયા હતા. આયોવાના વતની ૧૯૯૯માં એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગ એન્ડ એન્જિનિયરિંગ સાયન્સમાં બેચલર્સની ડિગ્રી સાથે યુએસ એરફોર્સ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમણે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી અને યુએસ નેવલ ટેસ્ટ પાયલોટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયાં હતા. તેમણે ૨,૫૦૦ કલાક કરતાં વધુ સમય સુધી એફ – ૩૫, એફ – ૧૫, એફ – ૧૬ અને એફ – ૧૮માં ઉડાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter