નાસાની ક્રિસ્ટીના અંતરિક્ષમાં સૌથી વધારે સમય રહેનારી મહિલા

Saturday 27th April 2019 06:40 EDT
 
 

વોશિંગ્ટનઃ નાસાની અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતેના મિશનની અવધિમાં ૧૧ મહિના જેટલો વધારો કરવામાં આવ્યો છે જેથી ક્રિસ્ટી સૌથી વધારે સમય આઈએસએસમાં વિતાવનારી પ્રથમ મહિલા બનશે.
નાસાની મહિલા અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ ટૂંક સમયમાં જ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં સૌથી વધારે દિવસો વિતાવનારી પ્રથમ મહિલા બનશે. ક્રિસ્ટીનાના મિશનની અવધિમાં કરવામાં આવેલા વધારાને પગલે તે અંતરિક્ષ સ્ટેશનમાં ૩૨૮ દિવસ વિતાવવાનો નવો રેકોર્ડ બનાવશે. કોઈ પણ મહિલા દ્વારા એકલા અંતરિક્ષમાં વિતાવાયેલો આ સૌથી લાંબો સમય ગાળો બની રહેશે.
નાસા અને તેના આઈએસએસ સહયોગીઓ દ્વારા સ્પેસ સ્ટેશનમાં રોકાનારા નવા ચાલક દળ અને તેમના કાર્યક્રમને નિર્ધારીત કરવામાં આવ્યો છે. તે મુજબ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની એક સ્પેસ યાત્રી જેસિકા મીર પ્રથમ વખત આઈએસએસ પહોંચશે. જ્યારે નાસાના અન્ય એક અંતરિક્ષ યાત્રી એંડ્રુ મોર્ગનની યાત્રાની અવધિ વધારવામાં આવી છે.
ક્રિસ્ટીના કોચ ચાલુ વર્ષમાં ૧૪ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં પહોંચી હતી અને નવા કાર્યક્રમ મુજબ તે ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી અંતરિક્ષમાં રહેશે.
અગાઉ ૨૦૧૬-૧૭ની સાલમાં અંતરિક્ષ યાત્રી પૈગી વ્હિટ્સને ૨૮૮ દિવસ અંતરિક્ષ સ્ટેશનમાં વિતાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પુરુષોમાં સ્કોટ કેલીએ સૌથી વધારે ૩૪૦ દિવસ અંતરિક્ષ સ્ટેશનમાં વિતાવેલા છે. સ્કોટ કેલીએ ૨૦૧૫-૧૬ની સાલમાં આ રેકોર્ડ સર્જ્યો હતો.
અમેરિકાના હ્યુસ્ટનમાં નાસાના જોનસન સ્પેસ સેન્ટર ખાતે માનવ અનુસંધાન કાર્યક્રમના મુખ્ય અધિકારી જેનિફર ફોગાર્ટીએ જણાવ્યા મુજબ ક્રિસ્ટીનાના મિશનને લંબાવવું ફાયદાકારી બની રહેશે કારણ કે તે લાંબા સમયથી જે દિશામાં કામ કરી રહી છે તે ડેટા ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ ગ્રહના મિશન માટે ઉપયોગી સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter