નીરજ અંતાણીઃ અમેરિકાના સૌથી યુવા લેજિસ્લેટર

Friday 05th December 2014 10:20 EST
 
 

માત્ર ૨૩ વર્ષના નીરજ અંતાણી ઓહાયોના ૪૨મા હાઉસ ડિસ્ટ્રીક્ટમાંથી વિજય મેળવી અમેરિકાના સૌથી યુવા લો-મેકર બન્યા છે. નીરજે ડેમોક્રેટિક પાર્ટીના ૬૨ વર્ષના પીઢ નેતા પેટ્રિક મોરિસને હરાવ્યા છે. નીરજ ઉપરાંત બીજા એક ગુજરાતી ઉમેદવાર જનક જોશી પણ કોલોરાડોમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી જીત્યા છે.
યુનિવર્સિટી ઓફ ડેટનમાં કાયદાનો અભ્યાસ કરી રહેલા નીરજે ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ફેસબુક પ્રોફાઇલમાં લખ્યું હતુંઃ ‘મને ચૂંટવા બદલ બધાનો ખૂબ-ખૂબ આભારી છું. મારા મતવિસ્તારના ભલા માટે હું આકરી મહેનત કરીશ અને રોજ સંઘર્ષ કરીશ. આપણે સાથે મળીને તકનું સર્જન કરીશું, જેથી અમેરિકન ડ્રીમને બધા સાકાર કરી શકે.’ નીરજે હજુ ગયા વર્ષે જ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી છે.
નીરજ અંતાણીનાં માતા-પિતા ૧૯૮૭માં અમેરિકા આવ્યાં હતાં અને વોશિંગ્ટન ટાઉનશિપમાં સેટલ થયાં હતાં. બાદમાં તેઓ મિયામીમાં સ્થાયી થયા હતા. આ પૂર્વે ૨૦૦૬થી ત્રણ ટર્મ જય ગોયલ ઓહાયોના ૭૩મા હાઉસ ડિસ્ટ્રીક્ટમાંથી ચૂંટણી જીત્યા હતા. ઓહાયો હાઉસ માટે ગોયલ પછી આવી સિદ્ધિ મેળવનાર નીરજ બીજા ભારતીય-અમેરિકન છે.

જનક જોશી પણ જીત્યા

મિડ-ટર્મ ચૂંટણીમાં ચમકેલા અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાયેલા બીજા ગુજરાતી છે જનક જોશી. કોલોરાડોના ૧૬મા હાઉસ ડિસ્ટ્રીક્ટમાંથી ચૂંટણી લડનાર રિપબ્લિકન જનક જોશીએ ડેમોક્રેટિક પાર્ટીના રયાન મેકોબ્રીને પરાજય આપ્યો છે.
મેડિકલ ક્લિનિક અને ડાયાલિસિસ સેન્ટર ધરાવતા ૩૧ વર્ષના જનક જોશી ગુજરાત યુનિવર્સિટીની એમ.ડી.ની ડિગ્રી ધરાવે છે. અમેરિકામાં સ્થાયી થયા બાદ તેમણે યુનિવર્સિટી ઓફ નોર્થ કોલોરાડોમાંથી એમ.એસ.ની ડિગ્રી મેળવી છે.

ભારતવંશીઓ ઝળક્યા

અમેરિકામાં મહત્વની ચૂંટણીઓમાં ભારતીય મૂળના અનેક લોકોએ ઝુકાવ્યું હતું અને એ પૈકીના ઘણા વિજેતા બન્યા છે. જેમાં સતત બીજી વાર ચૂંટાયેલા ઉમેદવારોમાં સાઉથ કેરોલિનાનાં ગવર્નર નિક્કી હેલી અને કેલિફોર્નિયાનાં એટર્ની જનરલ કમલા હેરિસનો સમાવેશ છે.  રિપબ્લિકન પાર્ટીનાં નિક્કી હેલીએ ૫૭.૮ ટકા મતો મેળવ્યા હતા, જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી વિન્સેન્ટ શેહીને મેળવેલા મતની ટકાવારી ૪૦ ટકાથી પણ ઓછી છે. કોંગ્રેસનાં એકમાત્ર હિન્દુ સભ્ય તુલસી ગેબાર્ડ હવાઈમાંથી ફરી ચૂંટાયા છે. ૩૩ વર્ષનાં તુલસી ડેમોક્રેટિક પક્ષના રાઇઝિંગ સ્ટાર ગણાય છે.
મિડ-ટર્મ ચૂંટણીમાં વિજેતા અન્ય ભારતવંશીઓમાં સામ સિંહ (ડેમોક્રેટ-મિશિગન), પ્રેમિલા જયપાલ (ડેમોક્રેટ-વોશિંગ્ટન), પ્રસાદ શ્રીનિવાસન્ (રિપબ્લિકન-કનેક્ટિકટ), કુમાર બર્વે (ડેમોક્રેટ-મેરીલેન્ડ), અરુણા મિલર (ડેમોક્રેટ-મેરીલેન્ડ), અમી બેરા (ડેમોક્રેટ-કેલિફોર્નિયા), રો ખન્ના (ડેમોક્રેટ-કેલિફોર્નિયા)નો સમાવેશ થાય છે.
જોકે ચૂંટણીમાં ઝૂકાવનાર ભારતીયોની યાદીમાં એક ગુજરાતી એવા પણ છે, જેમનો ફરી પરાજય થયો છે. ઇરાક સામેના યુદ્ધમાં અમેરિકા માટે સર્વીસ આપી ચૂકેલા ફિઝિશ્યન મનન ત્રિવેદી ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, પણ સતત ત્રીજી વાર હાર્યા છે. પેન્સિલ્વેનિયા સિક્સ્થ ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી મનન ત્રિવેદીને રિપબ્લિકન રાયન કોસ્ટેલ્લોએ જંગી માર્જિનથી હરાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter