વોશિંગ્ટનઃ અમેરિકામાંથી કાઢી મૂકાયેલા એક ભારતીય વિદ્યાર્થીને ભારત પરત મોકલતા પહેલા તેની સાથે ગુનેગાર જેવા વ્યવહાર કરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભારતીય વિદ્યાર્થીને અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર હાથકડી લગાવીને જમીન પર પટકી દેવામાં આવ્યો અને પછી તેને પરત મોકલી દીધો. આ વીડિયો બાદ ફરી એક વખત આ મામલાએ જોર પકડ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રની ટીકા થવા લાગી છે. આ વીડિયોને ભારત-અમેરિકન ઉદ્યોગ સાહસિક કુણાલ જૈને સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થી રડી રહ્યો હતો અને અમેરિકાના અધિકારીઓ તેની સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર કરી રહ્યા હતા.
કુણાલ જૈને અમેરિકાસ્થિત ભારતીય દૂતાવાસ સમક્ષ ઘટનાની તપાસ કરવા અને વિદ્યાર્થીને મદદ કરવાની વિનંતી કરી છે. જૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, મેં ગઇકાલે રાત્રે એક યુવાન ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટથી ડિપોર્ટ કરતો જોયો, હાથકડી લગાવેલી, રડી રહ્યો હતો, એક ગુનેગાર જેવો વ્યવહાર તેની સાથે થઈ રહ્યો હતો.
હેલ્થબોટ્સ એઆઈના ચેરમેન કુણાલ જૈને કહ્યું કે, એ સપનાને સાકાર કરવા આવ્યો હતો, નુકસાન પહોંચાડવા માટે નહીં. એક એનઆરઆઈ તરીકે હું અસહાય અને દુઃખ અનુભવી રહ્યો છું. જૈનના કહેવા મુજબ, આ ઘટના ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર બની હતી. અહીં એરપોર્ટ ઓથોરિટી પોલીસ વિભાગે ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન કર્યું હતું. આ ભારતીય વિદ્યાર્થી હરિયાણવી ભાષામાં બોલી રહ્યો હતો. છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીયોને ડિપોર્ટ કરવાના કેટલાય મામલા સામે આવ્યા છે.