નોર્થ કેરોલીના યુનિવર્સિટીમાં શીખ વિદ્યાર્થીઓને કિરપાણ લઇ જવા મંજૂરી

Monday 28th November 2022 06:56 EST
 
 

નવી દિલ્હી: અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તે શીખ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સંકુલમાં શીખ ધર્મના પ્રતીક સમાન કિરપાણ ધારણ કરવા દેશે. શાર્લોટ ખાતેની નોર્થ કેરોલિના યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થીએ કિરપાણ ધારણ કરી હોવાથી તેને હાથકડી પહેરાવાઇ હોવાનો વીડિયો પોસ્ટ થયાના બે મહિના પછી યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે. સપ્ટેમ્બર મહિનામાં હાથમાં હાથકડી લાગી હોય તેવા એક વિદ્યાર્થીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ટ્વિટર પર વીડિયો અપલોડ કરાયો હતો. કહેવાયું હતું કે વિદ્યાર્થીએ અધિકારી સમક્ષ તેની કિરપાણ ઉતારવા ઇનકાર કરી દેતાં પોલીસે તેને હાથકડી પહેરાવી દીધી હતી.
આ હેતુસર યુનિવર્સિટીએ પોતાની 'વેપન ઇન કેમ્પસ' નીતિમાં સુધારો કર્યો છે. તે સુધારા મુજબ કિરપાણની લંબાઇ 3 ઇંચથી ઓછી હોય અને હંમેશાં મ્યાનમાં રાખીને શરીરની નજીક ધારણ થયેલી હોય તે શરતે કોલેજ કેમ્પસમાં કિરપાણ ધારણ કરવા મંજૂરી અપાઇ છે. આ સંબંધમાં જાહેર થયેલા નિવેદન પર ચાન્સેલર શેરોન એલ. ગૈબર અને મુખ્ય ડાયવર્સિટી (વૈવિધ્ય) અધિકારી બ્રૈડન એલ. વોલ્ફે હસ્તાક્ષર કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સુધારાનો તાકીદની અસરથી અમલ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter