નોર્ધર્ન અમેરિકાના પ્રથમ મંદિરના રસ્તાને નામ મળ્યું ‘ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ’

હિંદુ ટેમ્પલ સોસાયટી દ્વારા ‘શ્રી મહાવલ્લભ ગણપતિ દેવસ્થાનમ’ની સ્થાપના 1977માં કરાઇ હતી જે આજે ગણેશ મંદિર તરીકે ઓળખાય છે

Friday 15th April 2022 06:28 EDT
 
 

ન્યૂ યોર્ક: અમેરિકાના ન્યૂ યોર્કમાં એક પ્રખ્યાત મંદિરની બહારના રસ્તાને ‘ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ’ નામ આપવામાં આવ્યું છે, જે દેશના હિન્દુ સમુદાય માટે ગર્વની વાત છે. નોર્થ અમેરિકાની હિંદુ ટેમ્પલ સોસાયટી દ્વારા ‘શ્રી મહાવલ્લભ ગણપતિ દેવસ્થાનમ’ની સ્થાપના 1977માં કરવામાં આવી હતી તે ગણેશ મંદિર તરીકે ઓળખાય છે જે ઉત્તર અમેરિકાનું પ્રથમ અને સૌથી જૂનું હિન્દુ મંદિર ગણાય છે.
આ હિન્દુ મંદિર ફ્લશિંગ - ક્વીન્સ કાઉન્ટીમાં આવેલું છે. મંદિરની બહારની ગલીનું નામ બાઉન સ્ટ્રીટ છે, જેનું નામ અમેરિકન ધાર્મિક સ્વતંત્રતાના હિમાયતી અને ગુલામી વિરોધી ચળવળના પ્રણેતા જોન બાઉનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. બીજી એપ્રિલે યોજાયેલા એક ખાસ સમારોહમાં આ સ્ટ્રીટનું નામ પ્રખ્યાત ગણેશ મંદિરના સમ્માનમાં ‘ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ’ રાખવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ન્યૂ યોર્કમાં ભારતના મહાવાણિજ્ય દૂત રણધીર જયસ્વાલ, ક્વીન્સ બરોના અધ્યક્ષ ડોનોવૈન રિચર્ડ્સ, ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સની ઓફિસમાં વ્યાપાર, રોકાણ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશનના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ અને ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો પણ હાજર રહ્યા હતા.
જયસ્વાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે રસ્તાને બીજું નામ આપવું એ માત્ર ઉજવણીની બાબત નથી પણ ‘તે અથાક પરિશ્રમને પણ દર્શાવે છે જે આ સિદ્ધિ હાંસલ કરવા પાછળ કરવામાં આવ્યો છે.’ રિચાર્ડ્સે ટ્વિટર પર પુજારીઓ અને અન્ય લોકોની હાજરીમાં રસ્તાનું નામકરણ કરતો એક વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter