ન્યૂ જર્સીમાં 240 વર્ષમાં પહેલીવાર 4.8ની તીવ્રતાનો ભૂકંપઃ જાનહાનિ ટળી

Tuesday 09th April 2024 10:51 EDT
 
 

ન્યૂ યોર્કઃ મહાનગરમાં પાંચમી એપ્રિલે 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઈમારતો ધ્રુજી ઉઠી હતી અને ભયના માર્યા લોકો ઘરમાંથી ભાગીને શેરીઓમાં આવી ગયા હતા. ભૂકંપના વધુ આંચકા આવશે તે ડરથી અનેક લોકોએ કલાકો સુધી ઘરમાં જવાનું ટાળ્યું હતું. સરકારી તંત્રએ હાઈએલર્ટ આપીને લોકોને ચેતવણી આપી હતી. ન્યૂ યોર્ક શહેરથી છેક ફિલાડેલ્ફિયા સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
ન્યૂ યોર્ક શહેરમાં ત્યાંના સમયપ્રમાણે સવારે 10.20 કલાકે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. અમેરિકન ભૂકંપ સેન્ટરના કહેવા પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 4.8 રિક્ટર સ્કેલ હતી. ભૂકંપથી શહેરની ઈમારતો ડોલવા લાગી હતી અને લોકોમાં ડર ફેલાઈ ગયો હતો. ભૂકંપનો અનુભવ થયો કે તુરંત જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ફરીથી ભૂકંપ આવશે તેવી દહેશતના પગલે લોકો કલાકો સુધી ઘરમાં ગયા ન હતા. ન્યૂયોર્ક શહેરથી ફિલાડેલ્ફિયા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
શહેરના ફાયર સેફટી વિભાગે હાઈએલર્ટ આપીને લોકોને ચેતવ્યા હતા. કોએ કેટલાય ફોન કરીને વિભાગમાં ભૂકંપની ફરિયાદ કરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં કોઈ જ ઈમારતને નુકસાન થયાનું નોંધાયું નથી. સદ્ભાગ્યે એકેય નાગરિકને ઈજા પણ થઈ નથી. ન્યૂ યોર્ક શહેરમાં અનુભવાયેલા ભૂકંપનું એપીસેન્ટર ન્યૂ જર્સી રાજ્યના વ્હાઈટ હાઉસ સ્ટેશન નામના સ્થળે પૃથ્વીના પેટાળમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ સ્થળ ન્યૂયોર્કથી લગભગ 80 કિમી દુર છે.ઘણાં લોકોએ વોશિંગ્ટન ડીસીમાં પણ ભૂકંપનો અનુભવ થયાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter