ન્યૂ યોર્ક કોર્ટમાં ભારતવંશી જજ સંકેત બલસારા

Sunday 18th February 2024 11:51 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારતવંશી જજ સંકેત જયસુખ બલસારાની ન્યૂ યોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ (પૂર્વ જિલ્લા) કોર્ટમાં નિમણૂક કરી છે. બેન્કરપ્સી, નિયમન સંબંધી બાબતો સહિતના વિષયોમાં નિષ્ણાત 46 વર્ષના બલસારા 2017થી ન્યૂ યોર્કના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં અમેરિકન મેજિસ્ટ્રેટ જજ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
પ્રેસિડેન્ટ બાઇડેને આઠમી ફેબ્રુઆરીએ ન્યાયતંત્રના અધિકારીઓની નિમણૂકનો 45મો રાઉન્ડ જાહેર કર્યો ત્યારે બલસારાના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમની 2017માં ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી ત્યારે તે ‘સેકન્ડ સર્કિટ’ની કોઇ પણ કોર્ટમાં ફરજ બજાવનારા પહેલા સાઉથ એશિયન જજ બન્યા હતા. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ‘નિમણૂક કરાયેલા તમામ લોકો અસાધારણ રીતે યોગ્ય, અનુભવ અને કાનૂની શાસન તેમજ આપણા બંધારણને સમર્પિત છે.’
બાઇડેને ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ માટે ચાર વ્યક્તિની નિમણૂક જાહેર કરી હતી. જેમાં એક નામ બલસારાનું હતું. જાન્યુઆરીથી મે 2017માં બલસારાએ અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનના કાર્યકારી જનરલ કાઉન્સિલ તરીકે ભૂમિકા ભજવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter