ન્યૂ યોર્ક: મહાનગર નજીક બફેલોના સુપર માર્કેટમાં ગયા શનિવારે બનેલી અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં 10 લોકો માર્યા ગયા છે, જ્યારે ત્રણને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. પોલીસે કહ્યું કે ફાયરિંગ કરનારાની ઓળખ કોંકલિનના પેટન ગેંડ્રોનના રૂપમાં થઈ છે. આરોપીએ 13 લોકો પર ફાયરિંગ કર્યું જેમાંથી 11 અશ્વેત હતા. ઉલ્લેખનીય છે ગોળીબારીની ઘટના બફેલોની ઉત્તરે થઈ હતી. કહેવાઈ રહ્યું છે કે આરોપીએ બંદૂકથી આડેધડ ગોળીઓ વરસાવી. પોલીસે કહ્યું કે આ ઘૃણા અને નસ્લીય રીતે પ્રેરિત હિંસા છે.
અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. હેટ ક્રાઈમ અને વંશીય ભેદભાવને કેન્દ્રમાં રાખીને તપાસ ચાલે છે. બફેલોના મેયર બાયર્ન બ્રાઉને કહ્યું કે આ ખોટું છે. અમને દુઃખ થઈ રહ્યું છે કે અમે આ રીતની ઘટનાઓનો સામનો કરી રહ્યા છે. આ કેટલું જોખમી છે તેનું વર્ણન કરી શકાતું નથી.
સુપર માર્કેટના ગ્રોસરી સ્ટોર્સમાં ફાયરિંગ
બફેલો પોલીસના જણાવ્યા અનુસાર બંદૂકધારી આ ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી રહ્યો હતો. તે સૈન્ય ગિયરની સાથે એક દુકાનમાં ઘૂસ્યો અને અહીંથી લોકોને ખેંચીને પાર્કિંગમાં લઇ ગયો હતો, આ પછી તેણે ગોળીબાર શરૂ કર્યો હતો. હુમલાખોરે સુપર માર્કેટમાં ઘૂસતાં જ પીડિતોને ગોળી મારવાનું શરૂ કર્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં સેવાનિવૃત્ત પોલીસ અધિકારીનું પણ મોત થયું છે.
આખરે શરણાગતિ સ્વીકારી
10 લોકોની નિર્દયી હત્યા કર્યા પછી હુમલાખોર સરેન્ડર થયો હતો. એક તબક્કે હુમલાખોરે તેની પોતાની ગરદન પર રાઈફલ તાકી હતી, પણ બફેલો પોલીસે તેની સાથે વાતચીત કર્યા પછી તેણે હાથમાં રહેલી રાઇફલ ફેંકી દીધી હતી. સિક્યોરિટી ગાર્ડે તેને ઠાર કરવા તેનાં પર ગોળીઓ પણ ચલાવી હતી. જોકે તેણે બુલેફપ્રુફ જેકેટ પહેર્યું હોવાથી તે બચી ગયો હતો. તેણે પાર્કિંગમાંથી નીકળી રહેલા લોકો પર ફાયરિંગ કર્યુ હતું, જેમાં ત્રણનાં મોત થયા હતાં. તેણે સિક્યોરિટી ગાર્ડને પણ ગોળીથી ઠાર કર્યો હતો.
અશ્વેતોનાં રહેઠાણો નજીક ચુસ્ત સુરક્ષા
બફેલોમાં 10 અશ્વેતોની ઘાતકી હત્યા કરવામાં આવ્યા પછી ન્યૂ યોર્કમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં અશ્વેતોનાં રહેઠાણો અને ચર્ચ છે તેની નજીક વધુ પોલીસો ગોઠવાઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.