ન્યૂ યોર્કમાં ઉંદરોનો આતંકઃ મૂષકમારને ઓફર થઇ રહ્યો છે તગડો પગાર

Tuesday 06th December 2022 10:13 EST
 
 

ન્યૂ યોર્કઃ દુનિયામાં સૌથી મોંઘું ગણાતું અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર છેલ્લા કેટલાક સમયથી એક જુદા જ પ્રકારની આફતમાં ઘેરાયું છે. કોરોનાની પીડા ભોગવ્યા પછી હવે શહેરીજનોને ઉંદરો સતાવવા લાગ્યા છે. એક અંદાજ પ્રમાણે ન્યૂ યોર્ક શહેરમાં ઉંદરની વસ્તી 80 લાખ જેટલી હતી જેનો આંકડો વધીને 1 કરોડને વટાવી જતાં તંત્ર ધંધે લાગી ગયું છે.
શહેરમાં ઉંદરડાઓની વસતીને નાથવા માટે સ્વચ્છતા વિભાગે ઉંદર પકડનારાને ભરતી કરવાની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ કામ માટે જે સેલેરી ઓફર કરાઈ છે તે ભારતમાં સરકારી ઓફિસમાં જોબ કરતાં ઓફિસર્સ કરતાં પણ વધારે છે. એક વ્યક્તિને 1.20લાખ ડોલરથી માંડીને 1.70 લાખ ડોલર એટલે કે રૂપિયા 98 લાખથી માંડીને 1.38 કરોડ રૂપિયાના પગારનું તોતિંગ વાર્ષિક પેકેજ ઓફર થઇ રહ્યું છે. વળી, ઉંદર પકડવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. માત્ર ગ્રેજ્યુએટ હોવાનું પૂરતું છે. જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે આપ ન્યૂ યોર્ક શહેરના રેટ ઝાર (ઉંદર પકડનારા) બની શકો છો. ઉત્સાહ અને ખંતથી કામ કરીને ઉંદરોની વસ્તી સામે લડનારા લોકોની જરૂર હોવાનો પણ જાહેરખબરમાં ઉલ્લેખ કરાયો છે.

બે વર્ષમાં 40 ટકાનો વધારો
મહાનગરની શેરીઓમાં, ગટરોમાં, રેઢી ઈમારતોમાં, બગીચાઓમાં, સબ-વેમાં, દુકાનોમાં અને રેસ્ટોરાંમાં ઉંદર નજરે ચઢી જાય છે. છેલ્લા બે વર્ષમાં ઉંદરની વસ્તીમાં 40 ટકા જેટલો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે કોરોના મહામારી સમયે કોમર્શિયલ કોમ્પલેક્સ અને જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંધ જેવી સ્થિતિમાં રહેવાથી ભૂખ્યા ઉંદરો શહેરના રહેણાંક વિસ્તારો તરફ આવવા શરૂ થયા હતા.
ન્યૂ યોર્કના રૂંવાટીવાળા ઉંદર આમ તો દુનિયામાં કુખ્યાત છે. આ સમસ્યા નવી છે એવું પણ નથી, પરંતુ છેલ્લા એક વર્ષથી લોકો ખૂબ ત્રાહિમામ પોકારી ગયા છે. જો ઉંદરની આવી રીતે વસ્તી વધતી જશે તો શહેરમાં માણસ કરતાં ઉંદર વધારે હોય તેવો ખતરો મંડરાઇ રહ્યો છે.

કોઇ તરકીબ કારગર નથી
ઉંદર નિયંત્રણ માટે સ્થાનિક તંત્ર દ્વારા અનેક તરકીબો અજમાવવામાં આવી છે પરંતુ સફળતા મળી નથી. 2017માં મેયર બિલ ડી બ્લાસિયોએ સખત પગલાં ભરીને ધ્યાન ખેંચ્યું હતું. કેટલીક અવનવી રીતે જેમ કે ઉંદરોના બીલ (રહેઠાણ) પાસે સૂકો બરફ મૂકવાનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. બિલ્ડીંગ માલિકોને કચરાપેટી સાફ નહીં રાખવા બદલ દંડ કરાયો હતો, પણ સમસ્યા યથાવત્ છે એટલું જ નહીં, વકરી રહી છે.

શહેરમાં ઉંદર પકડનારા હાથ વડે ઉંદરના મૃતદેહની પૂંછડી પકડીને સિંગલ સ્ટ્રેપ ફેબ્રિક બેગમાં મૂકી દે છે. દિવસના અંતે પકડેલા ઉંદરની ગણતરી કરાય છે. ઉંદરના ત્રાસથી લોકોને બચાવવા વર્ષોથી રાયડર્સ એલિ ટ્રેન્ચર ફેડ સોસાયટી (આરએટીએસ) નામનું એક જૂથ સક્રિય છે. જે મોટા કદના ત્રાસદાયક ઉંદરોને પકડીને મારી નાખવા માટે ન્યૂ યોર્ક શહેરની અંધારી ગલીકૂંચીઓમાં ફરતું રહે છે. કોઈ પણ નાગરિકનો કોલ આવે ત્યારે આ ગ્રૂપના માણસો પહોંચી જાય છે. તેઓ ક્યારેય રાતી પાઈની પણ અપેક્ષા રાખ્યા વિના સ્વૈચ્છિક કામ કરતા રહ્યા છે.

ડોગ સ્કવોડ પણ સક્રિય
કચરામાં રહેતા ઉંદરોને દબોચી લેવા ડોગ સ્કવોડ પણ તૈયાર કરવામાં આવી છે. તાલીમ પામેલા ડોગ ઉંદર જોઈને સીધો હુમલો જ કરી દે છે. કચરાના ઢગલા ઉપરાંત, બાંધકામના કાટમાળ અને ઝાડીઓમાંથી ઉંદરોને બહાર કાઢે છે. ઝડપી અને લાંબા પગવાળા કૂતરાઓને ખડેપગે ઊભા રાખવામાં આવે છે. બંધિયાર સ્થળે જગ્યા ઓછી હોય ત્યાં ટૂંકા પગવાળા કૂતરા વધારે કામના છે. ઉંદર પકડવા સાથે જોડાયેલા સ્વયંસેવકોને પોતાના ડોગને શિકાર કરવાનું કૌશલ્ય શીખવવામાં મજા આવે છે. કૂતરાઓને ઉંદરનો શિકાર કરતાં જોઈને તેઓ આનંદ અનુભવે છે.
જોકે એનિમલ રાઈટ્સ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે ઉંદર મારીને તેની વસ્તી નિયંત્રણ નહીં થઈ શકે. તેમના મતે ઉંદર ઘટાડવા માટે ખાદ્ય પદાર્થો અને કચરો ઘટાડવો વધુ અસરકારક છે. ડોગ્સ ઉંદરડાનો શિકાર કરે ત્યારે ટપકતાં લોહીથી લેપ્ટોસ્પાયરોસીસ થવાનો ખતરો હોવાથી પણ આ સલામત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter