ન્યૂ યોર્કમાં ગાજ્યા વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નારા

Wednesday 29th September 2021 03:53 EDT
 
 

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન અને ક્વાડ જૂથની બેઠક પછી યુનાઇટેડ નેશન્સને સંબોધન કરવા માટે ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. ન્યૂ યોર્કમાં હોટેલ બહાર વંદે માતરમ્, ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે ભારતીય મૂળના લોકોએ લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. યુએન બેઠકને સંબોધન પછી વડા પ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને ભારતીય સમુદાયને મળવા પહોંચી ગયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએનને સંબોધન કરવા ન્યૂ યોર્ક પહોંચ્યા ત્યારે હોટેલ બહાર મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો એકત્રિત થયા હતા. હોટેલની બહાર વડા પ્રધાન મોદીએ ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી. આ સમયે લોકોએ વંદે માતરમ્ અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું. તેમને મળવા માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાતો હતો.
યુએન મહાસભાને સંબોધન બાદ વડા પ્રધાન મોદી ન્યૂ યોર્કમાં હોટેલ પર પાછા ફર્યા ત્યારે પણ ભારતીય સમુદાય મોટી સંખ્યામાં એકત્ર થયો હતો. અહીં વડા પ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને ભારતીયોની વચ્ચે પહોંચી ગયા હતા. આ સમયે લોકોમાં વડા પ્રધાન સાથે સેલ્ફી લેવાની હોડ જામી હતી.
ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત પછી વડા પ્રધાન મોદી ભારત આવવા માટે જોન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ રવાના થયા હતા. વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન પ્રમુખ બાઈડેન સાથેની વ્યક્તિગત મુલાકાત અને ક્વાડ જૂથની બેઠક પહેલાં પણ વડા પ્રધાન મોદીએ આ જ અંદાજમાં ભારતીયો સાથે મુલાકાત કરી હતી. તે સમયે પણ લોકોએ ભારત માતા કી જયનો સૂત્રોચ્ચાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter