ન્યૂ યોર્ક: મહાનગરની સ્કૂલોમાં હવેથી દિવાળી પર્વે પબ્લિક સ્કૂલ હોલિડે હશે. આ જાહેરાતને ભારતીય સમુદાયના વિજય તરીકે જોવામાં આવે છે. ન્યૂ યોર્ક શહેરના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે તેને ગૌરવ છે કે સ્ટેટ એસેમ્બલીએ અને સ્ટેટ સેનેટે દિવાળીને ન્યૂ યોર્ક સિટી પબ્લિક સ્કૂલ હોલિડે બનાવવાનું બિલ પાસ કર્યું. અમને વિશ્વાસ છે કે ગવર્નર આ બિલ પર સહી કરીને તેને કાયદો બનાવશે.
એડમ્સે જણાવ્યું હતું કે આ ફક્ત ભારતીય સમુદાયના જ લોકોનો વિજય નથી, પરંતુ દિવાળીની ઉજવણી કરતા બધા જ સમુદાયના લોકોનો વિજય છે, ન્યૂ યોર્કનો વિજય છે. આ વર્ષથી ન્યૂ યોર્ક શહેરમાં દિવાળી પબ્લિક સ્કૂલ હોલિડે હશે.
ન્યૂ યોર્ક સ્ટેટ ઓફિસમાં ચૂંટાનારી પ્રથમ ભારતીય મહિલા ન્યૂયોર્ક એસેમ્બલી મેમ્બર જેનિફર રાજકુમારે જણાવ્યું હતું કે બે દાયકાથી સાઉથ એશિયન અને ઇન્ડો કેરેબિયને આના માટે લડત ચલાવી હતી. આજે મેયર અને મને ગૌરવ છે કે દિવાળી ન્યૂ યોર્ક શહેરમાં સ્કૂલ હોલિડે બનશે.
રાજકુમારે જણાવ્યું હતું કે દિવાળીને રજા તરીકે જાહેર કરતો કાયદો ટૂંક સમયમાં બનશે. આ મહાન શહેરમાં છેવટે દિવાળીનો પબ્લિક હોલિડે જાહેર થયો. આજે છ લાખથી વધારે હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન અમેરિકનોની સાથે ભારત, ગુયાના, ત્રિનિદાદ, નેપાળ અને બાંગ્લાદેશમાં વસનારાઓ પણ ખુશ થયા છે. તેઓની લાગણીઓ પણ આ બાબતને લઈને અમારી સાથે જોડાઈ છે. આજે અમે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે દિવાળી ફક્ત હોલિડે નથી પણ અમેરિકન હોલિડે છે.