ન્યૂયોર્ક અને ટેનેસીમાં હેનરી વાવાઝોડાની અસરથી ભારે વરસાદ - ટેનેસીમાં ૨૨નાં મોત

Tuesday 24th August 2021 16:10 EDT
 

ન્યૂ યોર્કઃ પ્રચંડ વાવાઝોડાં હેનરીએ ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો. તોફાની આંધી સાથે મુશળધાર વરસાદ પડતા પૂર આવ્યું હતું અને શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ન્યૂયોર્ક સ્ટેટ અને કનેક્ટિકટમાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી. દરમિયાન, ટેનેસી સ્ટેટમાં ૧૭ ઇંચ વરસાદ થતાં આવેલા પૂરના પાણી અનેક શહેરોના ઘરોમાં ફરી વળતાં ૨૨ લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે અનેક લોકો ગૂમ થયા હતા.

ન્યૂયોર્ક અને ક્નેક્ટિકટ તથા અન્ય શહેરોમાં ૫૫ મિલિયનથી વધુ લોકોને તેમનાં ઘરમાં જ રહેવા આદેશ અપાયો હતો. ખરાબ હવામાન અને તોફાની પવનને કારણે ૪૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. વાવાઝોડું ટ્રોપિકલ સ્ટોર્મમાં ફેરવાયું હતું જે લોંગ આઈલેન્ડ અને સધર્ન ન્યૂ ઈંગ્લેન્ડ વચ્ચે ત્રાટકયું હતું. ન્યૂ બ્રેડફર્ડ તેમજ મેસેચ્યુસેટ્સમાં પણ ભારે વરસાદ, પૂર અને તોફાની પવન ફૂંકાવાની ચેતવણી અપાઈ હતી. ન્યૂયોર્ક તેમજ ન્યૂજર્સીમાં પૂર અને પવનથી ભારે નુકસાન થયું છે. લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી હતી.

આ અગાઉ નેશનલ વેધર સર્વિસ દ્વારા જણાવાયું હતું કે હેનરી વાવાઝોડાની સિસ્ટમના પગલે પૂર્વોત્તરના રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડશે. વેધર સર્વિસે ખૂબ ઝડપી પવનો સાથે ટોર્નેડો ત્રાટકવાની પણ આગાહી કરી હતી.

આ વરસાદે ટેનેસીના ગ્રામ્ય પ્રદેશોમાં ભારે તબાહી મચાવી હતી. ત્યાંના રોડ રસ્તા સંપૂર્ણપણે ધોવાઇ ગયા હતા, મોબાઇલ ફોનના ટાવરો ધરાશાયી થઇ ગયા હતા અને લેન્ડલાઇન ટેલિફોનની લાઇનો સંપૂર્ણ ઠપ થતાં નાના નાના ટાઉનનો મોટા શહેરો સાથેનો સંપર્ક કપાઇ ગયો હતો. હમ્ફ્રી કાઉન્ટી સ્કુલના સેફ્ટી સુપરવાઇઝર ક્રિસ્ટી બ્રાઉને કહ્યું હતું કે ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે નીમાયેલા સભ્યો ઘેર ઘેર ફરીને લોકોની શોધખોળ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter