ન્યૂયોર્કઃ મહાનગરના લા-ગાર્ડીયા એરપોર્ટ પર રવિવારે મધરાતે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં એર કેનેડા એરલાઇન્સનું વિમાન ફાયર ટ્રક સાથે ટકરાઇ ગયું હતું. અકસ્માતમાં બન્ને પાયલોટના મોત નિપજ્યા છે જ્યારે વિમાનને ભારે નુકસાન થયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં અનેક મુસાફરો પણ ઘાયલ થયા છે.
એર કેનેડાની ડોમેસ્ટિક ફ્લાઇટ મુસાફરો અને ક્રૂ સાથે લા-ગાર્ડિયા એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી ત્યારે એક ફાયર ટ્રક સાથે આગળનો હિસ્સો ટકરાયો હતો. જેમાં 39 લોકો ઘાયલ થયા હતા જ્યારે પાયલોટ અને કો-પાયલોટ બન્નેના મોત નિપજ્યા છે. આ બન્ને પાયલોટ કેનેડાના રહેવાસી હતા. ઇજાગ્રસ્ત મુસાફરોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર મનાય છે. અકસ્માતમાં ફાયર ટ્રકમાં સવાર પોર્ટ ઓથોરિટીના બે કર્મચારી પણ ઘાયલ થયા છે. આ અકસ્માતને પગલે એરપોર્ટને સોમવારે બપોર સુધી બંધ રાખવુ પડયું હતું. એક અહેવાલ અનુસાર એરપોર્ટ પર અન્ય એક ફ્લાઇટમાં કોઇ ઘટના બની હતી. જ્યાં પહોંચવા ફાયર ટ્રક રનવે પર જઇ રહી હતી તે સમયે જ આ એર કેનેડાનું વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું, જેથી બન્નેની ભારે ટક્કર થઇ હતી.


