ન્યૂયોર્કમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, બે વિશ્વવિક્રમ સ્થપાયા

સૌથી વધુ સંખ્યામાં ધ્વજ ફરકાવવા અને સૌથી વિશાળ ડમરુનો રેકોર્ડ ગિનિઝ બુકમાં નોંધાયો

Wednesday 24th August 2022 06:11 EDT
 

ન્યૂયોર્ક

અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (એફઆઇએ) દ્વારા બે વિશ્વવિક્રમ નોંધાવવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં હાજર રહેલા ભારતીયોએ સૌથી વધુ સંખ્યામાં અલગ અલગ ધ્વજ ફરકાવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિક્રમ નોંધાવ્યો હતો. તે ઉપરાંત સૌથી મોટા ડમરુનો વર્લ્ડ રેકોર્ડ પણ આ ઉજવણીમાં નોંધાયો હતો. એફઆઇએના પ્રમુખ કેની દેસાઇએ જણાવ્યું હતું કે, હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રયાસોને સલામ કરું છું. એફઆઇએ દ્વારા રચાયેલા વિક્રમોએ ભારતીયોને તેમના વસવાટના દેશમાં તેમની માતૃભૂમિને પ્રજવલ્લિત કરવાની તક આપી હતી. અમે આ વિક્રમો ગ્લોબલ કોમ્યુનિટીને સમર્પિત કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ કારણ કે તેમના સહકાર વિના આ શક્ય બન્યું ન હોત. દેસાઇએ જણાવ્યું હતું કે, એફઆઇએએ ભારતને ગૌરવ અપાવ્યું છે અને અમે આ સિદ્ધીઓ સ્વતંત્રતા સંગ્રામના ગૂમનામ નાયકોને સમર્પિત કરીએ છીએ. એફઆઇએના સેક્રેટરી પ્રવિણ બંસલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના આયોજન માટે મહાકાય પ્રયાસોની જરૂર હતી અને એફઆઇએના સ્વયંસેવકોની ટીમે છેલ્લા કેટલાક મહિનાઓથી દિવસ-રાત કામ કરીને આ ઇવેન્ટને સફળ બનાવી છે. આ ઇવેન્ટમાં 1500 કરતાં વધુ સ્વયંસેવકોએ નોંધણી કરાવી હતી અને વહેલી સવારે એકઠાં મળીને દેશભક્તિનું વાતાવરણ સર્જ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter