ન્યૂયોર્ક: પાક. નાગરિક શાહઝેબ ખાન ન્યૂયોર્કના યહૂદી સેન્ટર પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર ઘડવાના કેસમાં દોષિત ઠર્યો છે. ઓક્ટોબર-2023માં હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો તેના વર્ષ પછી ઓક્ટોબર-2024માં શાહઝેબ અમેરિકાના યહૂદીને નિશાન બનાવવાનો હતો. જોકે ષડયંત્ર અમલમાં મૂકે તે પહેલાં જ ઓગસ્ટ-2024માં પકડાઈ ગયો હતો. 21 વર્ષનો શાહઝેબ 9/11 પછીનો અમેરિકામાં સૌથી મોટી હુમલો કરવાની ફિરાકમાં હતો.
21 વર્ષનો શાહઝેબ ખાન સ્ટૂડન્ટ વિઝા લઈને કેનેડા ગયો હતો આઈએસ સમર્થિત શાહઝેબે ન્યૂયોર્કમાં આવેલા યહૂદી સેન્ટર પર આતંકી હુમલાનું ષડયંત્ર ઘડયું હતું. હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો એ પછી હમાસ-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. તેની પહેલી વરસીએ બરાબર 7 ઓક્ટોબર, 2024ના દિવસે જ ન્યૂયોર્કના હમાસ સેન્ટર પર હુમલો કરવાનું કાવતરું શાહબાઝે ઘડ્યું હતું. આ દરમિયાન તેનો ભેટો અમેરિકાના બે અંડર કવર એજન્ટ સાથે થયો હતો. તેણે અમેરિકાના એ અંડર કવર એજન્ટને પોતાની જેમ આઈએસના સમર્થિત ગણી લીધા હતા અને તેણે આખું ષડયંત્ર એને જણાવ્યું હતું.
અમેરિકી એજન્ટ્સે હુમલામાં તેને મદદ કરવાનો દેખાવ કરીને તેની પાસેથી તમામ વિગતો જાણી લીધી હતી. શાહઝેબ ખાને તેને કહ્યું હતું કે 9/11 પછી આ અમેરિકાનો સૌથી મોટો હુમલો હશે. અમેરિકન એજન્ટ્સે આખું ષડયંત્ર જાણ્યા પછી બાતમી સુરક્ષા એજન્સીઓને આપી હતી. શાહઝેબ ઓગસ્ટ-2024માં અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતો ત્યારે જ તેને પકડી લેવાયો હતો. પુરાવા પરથી કોર્ટે તેને દોષી ઠેરવ્યો છે. આતંકવાદી હુમલાના ષડયંત્ર બદલ આગામી ઓગસ્ટમાં તેને સજા સંભળાવાશે, તેને આજીવન કારાવાસની સજા થવા સંભાવના છે.


