પતિના ગળામાં પટ્ટો બાંધી પત્ની ફરવા નીકળી!

Friday 22nd January 2021 04:24 EST
 
 

ક્યૂબેક સિટીઃ કેનેડાના ક્યૂબેક શહેરમાં એક એવી વિચિત્ર ઘટના સામે આવી છે કે વાંચીને તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે. શહેરમાં કોરોનાના કહેરના કારણે વહીવટી તંત્રે કર્ફ્યૂ લાદયો હતો, પરંતુ ડોગ સાથે ફરવા જવાની તેમાં છૂટ અપાઇ હતી.
એક યુવતીને ઘરની બહાર ફરવાનું મન તો થયું, પણ ઘરની બહાર નીકળવું કઇ રીતે? તેની પાસે તો પેટ ડોગ પણ નહોતો કે તેને લઇને વોક કરવા નીકળે. તેણે પોતાનું શેતાની દિમાગ કામે લગાડ્યું અને આનો ઉકેલ શોધ્યો પતિદેવમાં. તેણે પતિના ગળામાં પટ્ટો બાંધ્યો અને લઇને ફરવા નીકળી પડી. આ ઘટનાની તસવીરો દુનિયાભરમાં વાયરલ થઈ છે.
ક્યૂબેક સિટીમાં કોરોના કારણે રાત્રે આઠ વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લદાયો છે, પરંતુ મેડિકલ ઈમરજન્સી કે જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે બહાર નીકળવાની પરવાનગી અપાઈ છે. આ ઉપરાંત પેટ ડોગ લઈને વોક પર નીકળવાની પણ છૂટ આપવામાં આવી છે. યુવતીએ પેટ ડોગ માટે અપાયેલી છૂટનો લાભ (કે ગેરલાભ?!) ઉઠાવવાનું નક્કી કર્યું.
રાત્રે આઠ વાગ્યા પછી આ બહેન ડોગના બદલે પતિના ગળામાં પટ્ટો બાંધીને ફરવા નીકળી પડ્યા. પતિ શેરીમાં ડોગની જેમ ચાર પગે ચાલતો હતો અને પત્નીએ તેનો પટ્ટો હાથમાં પકડી રાખ્યો હતો.
આ નજારો જોઇને પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ. પતિ-પત્નીને અટકાવ્યા અને પૂછપરછ શરૂ કરી. પત્નીએ નિયમ યાદ કરાવતા કહ્યું કે એ તો તેના ‘ડોગ’ને લઈને બહાર ફરવા નીકળી છે અને તેણે કોઈ જ કાયદો તોડયો નથી. પોલીસે તેની સાથે દલીલો કરી હતી કે એ ડોગ નથી, પરંતુ પત્નીએ પતિને ડોગ જ ગણાવ્યો હતો અને દંડ ભરવાનો ઈનકાર કરી દીધો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે પતિ પણ ડોગની જેમ જ જમીન પર ચાર પગે જ ઉભેલો જોવા મળતો હતો.
પોલીસે આ પછી લાલ આંખ કરી હતી અને પતિ-પત્ની સામે કાનૂની કાર્યવાહી કરીને બંનેને ૩૦૦૦ ડોલરનો આકરો દંડ ફટકાર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter