પત્નીની મજાક ઉડાવાતા વિલ સ્મિથે ક્રિસ રોકને તમાચો ઝીંકી દીધો

Thursday 31st March 2022 17:19 EDT
 
 

લોસ એન્જલસઃ ડોલ્બી થિયેટરમાં યોજાયેલો 94મો પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સમારંભ આ વખતે વિવાદથી ખરડાયો હતો. કાર્યક્રમનું એન્કરિંગ કરી રહેલા કોમેડિયન ક્રિસ રોકે એક તબક્કે એક્ટર વિલ સ્મિથની પત્ની જેડા પિન્કેટનાં વાળની મજાક ઉડાવતા સ્મિથે સ્ટેજ પર ધસી જઇને ક્રિસ રોકને તમાચો ઝીંકી દીધો હતો. સ્ટેજ પર અચાનક બનેલી આ ઘટનાથી હાજર રહેલા તમામ મહાનુભાવો સ્તબ્ધ થઈ ગયા હતા. પહેલાં તો સૌએ આ ઘટનાને મજાક સમજી હતી પણ તેણે ગંભીર રૂપ ધારણ કર્યું હતું. ઓસ્કાર એવોર્ડના ઇતિહાસમાં અગાઉ ક્યારેય આવી ઘટના બની નથી.
શું હતી ઘટના?
એન્કર ક્રિસ રોકે એક તબક્કે એક્ટર વિલ સ્મિથની પત્નીનાં વાળ ખરી પડવાથી માથામાં પડી ગયેલી ટાલની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું કે જેડાને તેની ટાલના લીધે ફિલ્મ જીઆઈ જેન-2માં સાઇન કરવામાં આવશે. આ મજાક વિલ સ્મિથથી સહન થઈ ન હતી કેમ કે કોઇ બીમારીના લીધે જેડાના વાળ ખરી ગયા છે અને માથે ટાલ પડી ગઇ છે. રોષે ભરાયેલો વિલ સ્મિત તરત જ સ્ટેજ પર પહોંચી ગયો હતો અને ઓડિયન્સની હાજરીમાં જ ક્રિસ રોકને તમાચો ઝીંકી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter