પન્નુનું ષડયંત્રઃ હવે યુએસમાં ખાલિસ્તાન સમર્થકોને એકત્ર કરવા પ્રયાસ

Saturday 16th December 2023 11:32 EST
 
 

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે. આ અંગે ભારતીય ગુપ્તચર એજન્સીને મહત્ત્વની કડી મળી છે. સાન ફ્રાન્સિસ્કો અને ઉટાહમાં યોજાનારા કથિત જનમત માટે પન્નુ લાંબા સમયથી આયોજન કરી રહ્યો છે. તેણે 20 ઓગસ્ટથી 17 ઓક્ટોબર વચ્ચે અલગ-અલગ જગ્યાએ બે ડઝનથી વધુ વખત ગુપ્ત બેઠકો યોજી હતી. આ બેઠકો દ્વારા પન્નુએ કથિત લોકમત માટે મોટી રકમનું ભંડોળ પણ એકત્ર કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પન્નુએ શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના બેનર હેઠળ 26થી 28 જાન્યુઆરી સુધી અમેરિકામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાનના સમર્થનમાં કથિત રીતે બે મોટા લોકમત યોજવા તૈયારી કરી છે. પન્નુ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો અને ઉટાહ શહેરમાં યોજાનારા લોકમત માટે નગર કિર્તન કરીને લોકોને એકત્ર કરી રહ્યો છે. આ માટે, પન્નુએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ઘણા નકલી એકાઉન્ટ્સ સક્રિય કર્યા છે. નેરેટિવ શીખ, માઝા બોયઝ, ખાલિસ્તાન, સરદાર, જખ્મી શીખ જેવા એકાઉન્ટ્સ પર તે ભારત વિરુદ્ધ પોસ્ટ કરતો હતો. ભારત સરકારે આવાં 402 ફેક એકાઉન્ટ બ્લોક કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter