પરોપકારી વ્યક્તિવિશેષો નવીન અને પ્રતિમા દોશીનું FSPA દ્વારા સન્માન

Sunday 23rd October 2022 05:04 EDT
 
 

લોસ એન્જલસઃ અમેરિકાના ધ ફ્રેન્ડ્ઝ ઓફ સરદાર પટેલ એસોસિયેશન (FSPA) દ્વારા પહેલી ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના કેમ્પસમાં બે સંશોધકો - અહોના પાન્ડા અને સહાના ઘોષને 10 હજાર ડોલરના વાર્ષિક ઈનામ સાથે એવોર્ડ એનાયત કરાયો હતો. સાથે સાથે જ પરોપકારી વ્યક્તિવિશેષો નવીન અને પ્રતિમા દોશીના પ્રદાનને બિરદાવાયું હતું.
FSPA દ્વારા સહાના ઘોષને 2019ના સરદાર પટેલ ડિઝર્ટેશન એવોર્ડ જ્યારે વર્ષ 2020નો એવોર્ડ અહોના પાન્ડાને અપાયો હતો. સહાના ઘોષે યેલ યુનિવર્સિટીમાંથી મે 2018માં ‘Borderland orders: Gendered economies of mobility and security across the India-Bangladesh border’ શોધનિબંધ પૂર્ણ કર્યો હતો. તેઓ હવે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ એન્થ્રોપોલોજી તરીકે કાર્યરત છે. 2020ના એવોર્ડની વિજેતા અહોના પાન્ડાએ 2019માં યુનિવર્સિટીઓ શિકાગો ખાતે શોધનિબંધ ‘Philology and the Politics of Language: The Case of Bengali, 1893-1955’ પૂર્ણ કર્યો હતો. તેઓ ક્લેરમોન્ટ મેકેના કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ હિસ્ટ્રીની કામગીરી સંભાળે છે.
આ કાર્યક્રમમાં FSPA દ્વારા વર્ષો દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને મલ્ટિ-મિલિયન ડોલર્સનું માતબર દાન આપનારા નવીન અને પ્રતિમા દોશીનું સન્માન કરાયું હતું. દોશી દંપતી સ્થાપક સભ્યો હોવાની સાથે FSPAના મુખ્ય દાતાઓ પણ છે. તેમણે UCLA, લોયોલા મેરીમાઉન્ટ યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સહિત અનેક સંસ્થાઓને માતબર દાન આપ્યા છે. તેમણે તાજેતરમાં વેસ્ટ લોસ એન્જલસ, CA ખાતે નવીન એન્ડ પ્રતિમા દોશી સેન્ટર ફોર ઈન્ટિગ્રેટિવ મેડિસીનની સ્થાપના માટે મહર્ષિ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીને 5 મિલિયન ડોલરના બિલ્ડિંગનું દાન આપ્યું છે.
UCLA સરદાર પટેલ એવોર્ડ એન્ડાઉમેન્ટ તેના 23મા વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે FSPAના સ્થાપક ચાર્ટર સભ્ય અને વર્તમાન પ્રેસિડેન્ટ હરકિશન વસાએ તેનો ઈતિહાસ વર્ણવ્યો હતો. FSPA ખાનગી બિનનફાકારી સંસ્થા છે પરંતુ, UCLA સરદાર પટેલ એવોર્ડ એન્ડાઉમેન્ટનો ખાનગી સક્રિય જમણો હાથ છે જે એન્ડાઉન્ટની સફળતાના સાતત્યની ચોકસાઈમાં UCLAને મદદ કરે છે. તેમણે FSPAના દિવંગત સપોર્ટર્સ અનિલ મહેતા, ઉકા સોલંકી, શ્યામલ લીઓનાર્ડો, પ્રોફેસર દામોદર સરદેસાઈ, લાલચંદ ગગલાણી અને નરેશ પટેલને યાદ કરી સ્મરણાંજલિ અર્પી હતી.
નવીન દોશી દ્વારા લિખિત ‘સત્યં શિવમ સુન્દરમ્’ કવિતા સાથે દોશી દંપતીના જીવન પરનો વીડિયો દર્શાવાયો હતો જેની રજૂઆત સંગીતકાર વિજય ભટ્ટ દ્વારા કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter