ન્યૂયોર્ક: ન્યૂજર્સી સ્ટેટના પર્સિપની શહેરના મેયર તરીકે દક્ષિણ ગુજરાતના વતની પુલકિત દેસાઈ ચૂંટાયા છે. તેમણે નજીકના પ્રતિસ્પર્ધી જેમ્સ બાર્બેરિયોને માત્ર 80 મતની પાતળી સરસાઈથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. પર્સિપનીના મેયર બનનારા પુલકિત દેસાઈ પ્રથમ ભારતીય છે. વલસાડના મદનવાડમાં રહેતા ગુલાબભાઈ કીકાભાઈ દેસાઈના પરિવારમાં જન્મેલા અને ન્યૂયોર્ક શહેરની બાજુમાં પર્સિપની શહેરના મેયરપદે પહોંચેલા પુલકિત નટવરલાલ દેસાઈ 1978માં માત્ર 12 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા. તે પહેલા વલસાડ કોન્વેન્ટ સ્કૂલમાં ધો. 9 સુધી અભ્યાસ કર્યો હતો. પિતા નટવરલાલ ગુલાબભાઈ દેસાઈ અતુલ સાયનામાઇડ કંપનીમાં નોકરી કરતા હતા. માતા નયનાબેન વલસાડની શેઠ આર.જે. હાઈસ્કૂલમાં ટીચર હતા. પુલકિત દેસાઈના લગ્ન વલસાડની બી.કે.એમ. સાયન્સ કોલેજનાં નિવૃત પ્રોફેસર રમણભાઈ દેસાઈના પુત્રી સંગીતા દેસાઈ સાથે થયાં હતાં. પુલકિત દેસાઈ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. તે પહેલાં તેમણે અમેરિકન મરીન કોર્પોરેશનમાં તેમજ છ વર્ષ સુધી સેવા આપી હતી. 1990-1991માં તેમણે ડેઝર્ટ સ્ટોર્મ અને ડેઝર્ટ શિલ્ડ જેવા ઓપરેશનોમાં તેમજ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ કામ કર્યું હતું. સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ તરીકે દાયકાઓ સુધી કામ કર્યા બાદ રાજકારણમાં સક્રિય થયા હતા.

