વોશિંગ્ટનઃ અમેરિકન સ્પેસ સ્ટાર્ટઅપ વાસ્ટ દ્વારા દુનિયાનું પહેલું પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન ‘હેવન-1’ તૈયાર થઇ ગયું છે, જે આવતા વર્ષે લોન્ચ થશે. આ સ્ટેશન અંતરિક્ષમાં વૈજ્ઞાનિક રિસર્ચ અને માઇક્રોગ્રેવિટીમાં ઉત્પાદન તકનીકોના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાશે. ‘હેવન-1’માં એકસાથે ચાર અવકાશયાત્રીઓ 10થી 30 દિવસ સુધી રહી શક તેવી વ્યવસ્થા કરાઇ છે. જ્યારે સ્ટેશન ખાલી હશે, ત્યારે તેમાં આર્ટિફિશિયલ ગ્રેવિટી ટેકનોલોજીનું ટેસ્ટિંગ થશે.
2026માં લોન્ચ થનારા આ સ્પેસ સ્ટેશનની વિશેષતા એ છે કે તે ક્વીન સાઇઝ બેડ અને આધુનિક જિમની સુવિધાથી સજ્જ છે. વળી, સ્ટેશનનો મોટો ભાગ કોમન એરિયા તરીકે ડિઝાઈન કરાયો છે. તેમાં એક ફોલ્ડેબલ ટેબલ છે. અહીં 1.2 મીટરની એક ઓબ્ઝર્વેશન વિન્ડો છે, જેમાંથી અવકાશયાત્રી પૃથ્વીને નિહાળી શકશે. આ જ એરિયામાં તેઓ લેબ સ્ટેશન પર પણ કામ કરશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની તુલનામાં ‘હેવન-1’ની ડિઝાઇન અવકાશયાત્રીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. જેમાં આશરે 8875 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આઇએસએસમાં અવકાશયાત્રીને દીવાલ સાથે બાંધેલી સ્લીપિંગ બેગમાં સૂવું પડે છે. ‘હેવન-1’માં ક્વીન સાઈઝના ચાર બેડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના માટે હાઇટેક જિમની સુવિધા પણ છે, જેથી અવકાશયાત્રીને લાંબો સમય રોકાણ કરવાનું થાય તો પણ તેઓ એકસરસાઇઝ કરીને પોતાને ચુસ્તદુરસ્ત રાખી શકે.