વોશિંગ્ટનઃ પેન્ટાગોનની સંરક્ષણ ગુપ્તચર પાંખના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ સ્કોટ બેરિઅરે સેનેટ સમિતિ સમક્ષ જણાવ્યું છે કે ભારત પડોશી દેશો પાકિસ્તાન અને ચીન તરફના ખતરાને ધ્યાને લઇને જૂનના અંત સુધીમાં એસ-400 મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી દેવાનો ઇરાદો ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ભારતને ગયા વર્ષે ડિસેમ્બરમાં રશિયા તરફથી એસ-400 ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી મળવાની શરૂઆત થઈ છે. તેમણે કોંગ્રેસની સમિતિને એમ પણ જણાવ્યું હતું કે આમ તો ઓક્ટોબર 2021થી જ ભારતના સૈન્યે જમીની અને દરિયાઈ સરહદના રક્ષણ માટે તેમજ આક્રમક અને સંરક્ષણાત્મક સાઇબર ક્ષમતા વધારવા માટે આધુનિક સર્વેક્ષણ સિસ્ટમની માગવાનું શરૂ કરી દીધું હતું.
બેરિઅરે જણાવ્યું હતું કે ભારતે ડિસેમ્બર 2021થી રશિયન બનાવટની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની આરંભિક ડિલિવરી મેળવવાની શરૂઆત કરી દીધી હતી. પાકિસ્તાન અને ચીન તરફના ખતરાને ટાળવા ભારત જૂન 2022થી એસ-400 મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી દેવાનો ઇરાદો ધરાવે છે. બેરિઅરે એમ પણ જણાવ્યું હતું કે ભારત ઇન્ટેગ્રેટડ થિયેટર કમાન્ડ વ્યવસ્થા ઊભી કરવા પ્રયત્નશીલ છે. ભારત આમ કરશે તો ત્રણેય પાંખો વચ્ચે સાથે મળીને કામ કરવાની ક્ષમતાનો વિસ્તાર થશે
અમેરિકા ભારતને સૈન્ય સહાય ઓફર કરે તેવી સંભાવના
ભારત સાથેના સુરક્ષા સંબંધોને વધુ સુદૃઢ કરવા અને રશિયન શસ્ત્રો પરની ભારતની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા ભારતને 50 કરોડ ડોલરની સૈન્ય સહાય આપવા વિચારી રહ્યું છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ જો આ અમેરિકી સહાય ભારતને મળશે તો ઇઝરાયેલ અને ઇજિપ્ત પછીના ક્રમે ભારત આવી સૌથી વધુ સહાય મેળવતો દેશ બની જશે. સહાયમાં શસ્ત્રસામગ્રીનો પણ સમાવેશ થાય છે.