પાક. વૈજ્ઞાનિકને છોડાવવા ચારને બંધક બનાવનાર આતંકી ઠાર

Wednesday 19th January 2022 06:52 EST
 
 

કોલિવિલે, ટેક્સાસઃ પાકિસ્તાની મહિલા આતંકી વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને છોડાવવા માટે ટેક્સાસમાં યહુદીઓના પૂજાસ્થળ સિનેગોગ પર શનિવારે એક આતંકીએ હુમલો કરીને ચાર લોકોને બંધક બનાવ્યા હતા. આ બ્રિટિશ આતંકીએ બંધકોના છૂટકારા માટે ટેક્સાસની જેલમાં કેદ આફિયા સિદ્દિકીને છોડવાની માગણી કરી હતી. જોકે, લગભગ ૧૨ કલાક પછી શનિવારે રાત્રે બધા જ બંધકોને છોડાવી લેવાયા હતા અને એફબીઆઈની સ્વોટ ટીમે હુમલાખોર આતંકીને ઠાર કરી દીધો હતો. એફબીઆઈની ટીમે આ ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.
દરમિયાન, આ ઘટનાના સંદર્ભમાં બ્રિટન પોલીસે વધુ બે સગીરોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે હાલ આ બન્નેની પૂછપરછ ચાલી રહી છે.
ગયા શનિવારે બ્રિટનના ૪૪ વર્ષીય નાગરિક મલિક ફૈસલ અકરમે હથિયારોની અણીએ ચાર લોકોને બંધક બનાવી લીધા હતા. અકરમે તેમને જીવતા છોડવા માટે પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને છોડી મૂકવાની માગણી કરી હતી. આફિયા સિદ્દીકી લેડી અલ કાયદાના નામથી પણ કુખ્યાત છે. તેને ૨૦૧૦માં ન્યૂયોર્ક સિટી ફેડરલ કોર્ટે અમેરિકી સૈન્યકર્મીઓને મારવાના પ્રયાસો બદલ દોષી ઠેરવી હતી.
હાલ તે ફોર્ટ વર્થ ટેક્સાસના ફેડરલ મેડિકલ સેંટર, કાર્સવેલમાં ૮૬ વર્ષની કેદની સજા ભોગવી રહી છે. સિદ્દીકીએ અફઘાનિસ્તાનમાં અમેરિકી એજન્ટો અને સૈન્ય અધિકારીઓને મારવાના પ્રયાસો પણ કર્યા હતા.
આ મહિલાને છોડાવવા માટે ટેક્સાસમાં ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જે દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં બંધક બનાવનાર સિદ્દીકીનું મૃત્યુ થયું હતું.  તે પોલીસને કહેતો હતો કે આફિયા તેની બહેન છે..સિદ્દીકી બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે તેથી પોલીસે બ્રિટનમાંથી આ કેસ સાથે સંકળાયેલા બે સગીરોની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter