પાકિસ્તાન ઉશ્કેરણી કરશે તો ભારત જવાબ આપે તેવી શક્યતાઃ અમેરિકા

Tuesday 15th March 2022 14:01 EDT
 

વોશિંગ્ટનઃ પાકિસ્તાન તરફથી કોઇપણ વાસ્તવિક કે સંભવિત ઉશ્કેરણી થશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સૈન્ય તાકાતથી જવાબ આપે તેવી વધુ સંભાવના હોવાનું અમેરિકાની ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ODNI) ઓફિસના ‘ધ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ ઓફ યુએસ ઇન્ટેલિજન્સ કમ્યુનિટી’માં જણાવાયું હતું. ભારત અને ચીન બંને દ્વારા વિવાદિત સરહદ પર વિસ્તારિત કરાયેલું સૈન્યબળ, આ બે પરમાણુશક્તિ સંપન્ન દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષના ખતરાને વધારે છે જેની અમેરિકન લોકો અને તેમના હિતો પર પણ સીધી અસર પડી શકે છે અને તેમાં અમેરિકાના હસ્તક્ષેપની પણ જરૂર પડી શકે છે.

તેમાં વધુમાં કહેવાયું હતું કે પાકિસ્તાન ભારત વિરોધી આતંકવાદી જૂથોને સમર્થન આપવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ, ભારત ભૂતકાળની તુલનામાં કોઇપણ વાસ્તવિક કે ભારતને લાગતી પાકિસ્તાની ઉશ્કેરણીનો સૈન્ય તાકાત મારફત જવાબ આપે તેવી સંભાવના વધારે લાગે છે. દરેક પક્ષની તંગદિલીની ધારણા, કાશ્મીરમાં અશાંતિ અથવા ભારતમાં આતંકવાદી હુમલાથી સંઘર્ષનું જોખમ વધારે છે. ODNIએ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો 2020ના ઘાતક સંઘર્ષને કારણે વણસેલા જ રહેશે. તે સંઘર્ષ દસકાનો સૌથી ગંભીર હતો. રિપોર્ટ મુજબ અગાઉના વિવાદોએ દર્શાવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર નીચલા સ્તરનો સંઘર્ષ ઝડપથી વકરવાની સંભાવના ધરાવે છે.

રિપોર્ટમાં જણાવાયું હતું કે ચીન તેના અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલા સ્પર્ધાત્મક સંબંધોને મહત્ત્વપૂર્ણ ભૌગોલિક રૂપાંતરણ તરીકે જુએ છે અને તે અમેરિકાના રાજદ્વારી, આર્થિક અને સૈન્ય પગલાઓને પોતાની વિરુદ્ધ હોવાનું માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter