પાકિસ્તાનમાં હજારો હિન્દુઓનું બળજબરીથી ધર્માંતરણ થઇ રહ્યું છે, લશ્કરી સહાય અટકાવોઃ અમેરિકન સાંસદોની રજૂઆત

Wednesday 31st January 2024 12:03 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના 11 સાંસદોના એક જૂથે વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કનને પત્ર લખીને પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય પર થતાં અત્યાચાર બાબતે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનમાં હિન્દુઓનું બળજબરીથી ધર્માંતરણ કરાવાઈ રહ્યું છે અને હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરીને બળાત્કારો થાય છે તેને માનવતાવિરોધી કૃત્ય ગણાવીને પાકિસ્તાનને મળતી લશ્કરી સહાય અટકાવી દેવાની ભલામણ પણ તેમણે કરી છે.
પાકિસ્તાનમાં ઈશનિંદાને લગતો નવો કાયદો લાગુ થવાનો છે તે બાબતે અમેરિકન સાંસદોએ ચિંતા વ્યક્ત કરીને પત્રમાં લખ્યું હતું કે જો આ કાયદો લાગુ થશે તો લાખો હિન્દુઓ પર અમાનવીય અત્યાચારો વધશે. પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતાં ધાર્મિક અત્યાચારના આંકડાં ટાંકીને સાંસદોએ કહ્યું હતું 1987થી અત્યાર સુધીમાં ધાર્મિક કટ્ટરતાના કારણે 2000 હિન્દુઓને સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનમાં આ નવા ઈશનિંદાના કાયદાનો પ્રસ્તાવ રજૂ થયો તે વખતે ગત ઓગસ્ટ માસમાં ટોળાએ જરાનવાલાના ચર્ચમાં આગ લગાવી હતી. તે પછી પંજાબ પ્રાંતના હિન્દુ મંદિરોમાં પણ તોડફોડ કરી હતી.
પાકિસ્તામાં છેલ્લા એક દસકામાં હિન્દુ મંદિરોમાં તોડફોડના કિસ્સા વધ્યા છે. હિન્દુ નાગરિકોનું ધાકધમકીથી સામુહિક ધર્માંતરણ કરાવવાની ઘટના પણ વારંવાર બનતી રહે છે. હિન્દુ યુવતીઓના અપહરણ કરીને તેમની સાથે બળાત્કાર ગુજારવાનું પ્રમાણ વધી ગયું છે. હિન્દુ યુવતીઓને બળજબરીથી ધર્મ પરિવર્તને કરાવીને તેમની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાતા હોવાનો ઉલ્લેખ પણ પત્રમાં સાંસદોએ કર્યો છે.
અમેરિકન સાંસદોના મત પ્રમાણે જો નવો કાયદો આવશે તો ઇશનિંદાનો મુદ્દો બનાવીને હિન્દુ પુરુષો પર થતાં અત્યાચારો ખૂબ જ વધી જશે ને અત્યારે જેટલા લોકોને સજા ફટકારવામાં આવે તેનાથી ક્યાંય મોટી સંખ્યામાં સજા આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter