વોશિંગ્ટનઃ પાલક પનીરના શાક સાથે સંકળાયેલા એક ભેદભાવભર્યા બનાવ સંદર્ભે ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ઓફ કોલોરોડા બોલ્ડર સામે કરેલો સિવિલ રાઈટસ કેસ જીતી ગયા છે. એટલું જ નહીં, યુનિવર્સિટીએ આ કેસમાં વિદ્યાર્થીઓને સેટલમેન્ટ તરીકે 2 લાખ ડોલર (રૂ. 1.8 કરોડ)નું વળતર ચૂકવ્યું છે. સપ્ટેમ્બર2023માં બનેલી આ ઘટનાની વિગત એવી છે કે યુનિવર્સિટીના એક સ્ટાફ મેમ્બરે આદિત્ય પ્રકાશ નામના ભારતીય વિદ્યાર્થીને એમ કહ્યું હતું કે તું ડિપાર્ટમેન્ટના માઈક્રોવેવમાં તારુ લંચ ગરમ ન કર, એની બહુ વાસ આવે છે. પ્રકાશના લંચમાંથી ‘ગંદી વાસ’ આવતી હોવાની સ્ટાફે ફરિયાદ કરતાં ઘર્ષણ શરૂ થયું હતું. પ્રકાશે એને જવાબમાં માત્ર એટલું કહ્યું હતું કે આ ફૂડ છે. હું એ ગરમ કરીને ચાલ્યો જઈશ.
વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રકાશ (34) અને ઉર્મિ ભટ્ટાચાર્ય (35)એ યુનિવર્સિટી વિરુદ્ધ અમેરિકાની ડિસ્ટ્રીકટ કોર્ટ ઓફ કોલોરોડમાં સિવિલ કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં એમણે આક્ષેપ કર્યો હતો કે પોતાની સાથે ભેદભાવભર્યો વ્યવહાર થયો હોવાની પ્રકાશની ફરિયાદ બાદ યુનિવર્સિટીએ એની સામે સખત વલણ અપનાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ એવી પણ રાવ કરી હતી કે ડિપાર્ટમેન્ટલ કિચનના નિયમો સાઉથ એશિયનો સામે પૂર્વગ્રહ રાખતા હતા. એને કારણે સાઉથ એશિયાના લોકો કોમન એરિયામાં પોતાના લંચ બોક્સ ખોલી નહોતા શકતા. સિનીયર ફેકલ્ટી સાથેની મિટિગ્સમાં પ્રકાશના જણાવવા મુજબ એના પર સ્ટાફ સામે દાદાગીરી કરવાનો આરોપ મૂકી એને વારંવાર બોલાવાયો હતો. જ્યારે ઉર્મિ ભટ્ટાચાર્યએ એવો દાવો કર્યો હતો કે એને કોઈ ખુલાસો કર્યા વિના ટિચીંગ આસિસ્ટંટના હોદ્દા પરથી બરતરફ કરી દેવાઈ હતી.
પાલક પનીરના બનાવને પગલે એણે બે દિવસ સુધી ભારતીય ભોજન કરી ધમાલ મચાવી હોવાનો ઉર્મિ પર આરોપ મુકાયો હતો. ખટલો બે વરસ સુધી લંબાયા બાદ યુનિવર્સિટી બન્ને વિદ્યાર્થીઓને એમની માસ્ટર્સ ડિગ્રી એનાયત કરીને વળતરરૂપે 2 લાખ ડોલર ચુકવવા સંમત થઈ હતી. અલબત્ત, એમને ભવિષ્યમાં યુનિવર્સિટીમાં કોઈ અભ્યાસક્રમમાં એડમિશન લેવા અને જોબ કરવામાંથી બાકાત કરી દેવાયા હતા. યુગલ આ મહિને યુએસથી ભારત પાછું કર્યું હતું. સોશ્યલ મીડિયા પર આ બનાવના સમાચાર વાયરલ થયા બાદ લોકોએ ભારતીય વિદ્યાર્થીઓને કેસ જીતવા બદલ અભિનંદન આપી એમની પક્ષપાત સામે લડવા બદલ પ્રશંસા કરી હતી.


